Gujarat

જામનગરમાં ‘રન ફોર યોગ’ રેલી યોજાઈ

જામનગરમાં 21મી જૂનના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા ‘રન ફોર યોગ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન કરવાનો અને યોગને દૈનિક જીવનશૈલીનો અનિવાર્ય ભાગ બનાવવાનો સંદેશ પહોંચાડવાનો હતો, જેથી શારીરિક અને માનસિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય.

આ રેલીનું આયોજન ITRAના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા હતા. રેલી શહેરના ડીકેવી સર્કલથી શરૂ થઈને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. આ રેલી દ્વારા જામનગરના નાગરિકોને આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને નિયમિત યોગ કરવા માટે પ્રેરણા આપવામાં આવી.