ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવવા અને પીડિત મહિલાઓને સહયોગ આપવા ઇનરવ્હીલ ક્લબની બહેનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી. ‘Together We Can End Violence’ના સંદેશ સાથે મહિલાઓને માનસિક રીતે મજબૂત બનાવવા અને સન્માનભર્યું જીવન જીવવા પ્રોત્સાહિત કરવાની પહેલ કરવામાં આવી.
આ પહેલમાં મહિલાઓની સુરક્ષા, સ્વતંત્રતા અને આત્મસન્માન પર ભાર મૂકાયો. ક્લબની બહેનોએ સંકલ્પ કર્યો કે ઘરેલુ હિંસા કે માનસિક ત્રાસનો ભોગ બનેલી મહિલાને એકલી નહીં છોડે અને તેને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા હિંમત તથા સહકાર આપશે.

ઘરેલુ હિંસામાં શારીરિક મારપીટ ઉપરાંત માનસિક ત્રાસ, અપમાન, ધમકી, આર્થિક નિયંત્રણ અને સતત અન્યાયનો પણ સમાવેશ થાય છે. પરિવારની પ્રતિષ્ઠા, બાળકોના ભવિષ્ય અને સામાજિક દબાણને કારણે ઘણી મહિલાઓ અન્યાય સહન કરતી રહે છે. તેમને પોતાની વાત કહેવા માટે યોગ્ય વાતાવરણ અને સહકાર મળે તે જરૂરી છે.
ક્લબની બહેનોએ કહ્યું કે મહિલાઓને સહાનુભૂતિની સાથે આત્મવિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને જરૂર પડે ત્યારે સાથ મળવો જોઈએ. દરેક મહિલાને ભયમુક્ત વાતાવરણમાં જીવવાનો, પોતાના નિર્ણયો લેવાનો અને સન્માન સાથે જીવન પસાર કરવાનો અધિકાર છે.

