Gujarat

સોમનાથ મરીન પોલીસે કદવાર નજીક કાર્યવાહી કરી, 3 માછીમારો સામે ગુનો નોંધાયો

સોમનાથ મરીન પોલીસે કદવારના હિરાકોટ બંદર નજીકથી માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતી ત્રણ બોટને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ માછીમારો સામે ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કદવારના હિરાકોટ બંદર ફિશ લેન્ડિંગ પોઈન્ટ નજીક આ બોટ માછીમારી કરતી જોવા મળી હતી. મત્સ્યઉદ્યોગ કમિશનર, ગાંધીનગરના 12 મે, 2026ના પરિપત્ર મુજબ, 1 જૂનથી 15 ઓગસ્ટ, 2026 સુધી દરિયામાં માછીમારી અને માછલીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય બોટ પ્રતિબંધનો ભંગ કરીને ગેરકાયદેસર ફિશિંગ કરી રહી હતી. આ મામલે સોમનાથ મરીન પોલીસે ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો-2003ના નિયમ 6/1(ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી દરમિયાન સોયબભાઈ જાફરભાઈ ખારીયા (ઉંમર 24), દાઉદભાઈ ઓશમાણભાઈ મોવાણા (ઉંમર 48) અને અંજલભાઈ સલીમભાઈ ખરાઈ (ઉંમર 20)ને ઝડપી લેવામાં આવ્યા છે. આ ત્રણેય કદવારના હિરાકોટ બંદર વિસ્તારના રહેવાસી છે અને વ્યવસાયે માછીમાર છે.

આ સમગ્ર કાર્યવાહી સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જી. વસાવાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ કિશનભાઈ બામણીયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

દરિયાઈ પર્યાવરણ અને મત્સ્ય સંપદાના સંરક્ષણ માટે સરકાર દ્વારા માછીમારી પ્રતિબંધનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર ફિશિંગ સામે પોલીસ અને મત્સ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.