દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા ગૌવંશને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો કાર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
પશુને બચાવતાં ટેમ્પો કારને ટકરાયો પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી આશરે 10 કિમી દૂર બરાડિયા પાસે ટેમ્પો નંબર GJ 02 XX 7799ના ચાલકે માર્ગ પર ઉતરી આવેલા પશુઓને બચાવવા માટે અચાનક વળાંક લીધો હતો. આ દરમિયાન ટેમ્પો આગળ જઈ રહેલી મોટર કાર નંબર GJ 11 CL 6023 સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો.

સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી અકસ્માત થતાં જ આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી, ખાનગી વાહનો મારફતે તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે.

