Gujarat

સમાધાનના બહાને પતિએ પત્નીને જામનગરથી વડોદરા બોલાવી

ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ લગ્ન કરનાર યુવતી સાથે પતિ દ્વારા છેતરપિંડી અને ત્યજી દેવાનો બનાવ સામે આવ્યો છે. જામનગરથી સમાધાનના બહાને વડોદરા બોલાવ્યા બાદ પતિ પત્નીને ફરવા લઈ ગયો અને જમાડ્યા પછી “કામે જાઉં છું” કહી રસ્તા પર એકલી મૂકીને ગાયબ થઈ ગયો હતો. મુશ્કેલીમાં મુકાયેલી યુવતીએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ લેતા અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

પ્રેમલગ્ન બાદ અણબનાવ અને ઘરેલુ હિંસા અભયમની ટીમે યુવતીનું લાઈવ લોકેશન મેળવી કાઉન્સેલિંગ હાથ ધરતા જામનગરની રહેવાસી યુવતીએ ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ ત્રણ મહિના પહેલાં જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ટ્રાવેલિંગના વ્યવસાય અર્થે વડોદરા સ્થાયી થયા હતા. યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની દોડની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ પતિએ “નોકરી કરવાની જરૂર નથી” તેમ કહી રાજકોટ ખાતે યોજાનારી લેખિત પરીક્ષા આપવા જવા દીધી ન હતી. એક અઠવાડિયા પહેલા પતિએ દારૂના નશામાં મારપીટ કરતા યુવતી કંટાળીને પોતાના પિયર જામનગર જતી રહી હતી.

સમાધાનના બહાને બોલાવી રસ્તા પર રઝળતી મૂકી ત્યારબાદ પતિએ ફોન પર પોતાની ભૂલ સ્વીકારી સમાધાનની વાત કરી હતી અને હવેથી ક્યારેય ઝઘડો ન કરવાની ખાતરી આપી યુવતીને વડોદરા પાછી બોલાવી હતી. વડોદરા આવ્યા બાદ બંને સાથે ફર્યા અને સાથે જમ્યા હતા. જમ્યા પછી પતિએ “થોડું કામ છે” તેમ કહી પત્નીને રસ્તા પર ઉભી રાખીને જતો રહ્યો હતો. લાંબા સમય સુધી પરત ન આવતા યુવતીએ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો.