દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ રહેલા ભારે અને સાર્વત્રિક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વાપી, વલસાડ અને દહાણુ રોડ વચ્ચેના રેલવે વ્યવહાર પર માઠી અસર પહોંચી છે. રેલવે ટ્રેક અને પુલો નીચે નદી અને નાળાના પાણી ભયજનક સપાટી વટાવી જતાં મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોની અવરજવર પર તાત્કાલિક અસરથી નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
રેલવે વિભાગ દ્વારા 24 ટ્રેન રદ કરવામાં આવી છે જેમાં 6 મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરો માટે રેલવે વિભાગે નાસ્તા તેમજ પાણીની વ્યવસ્થા કરી છે
3 બ્રિજ ઉપર પાણી ભરાવાના કારણે રેલ વ્યવહાર પર અસર પશ્ચિમ રેલવેના મીડિયા વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર દહાણુ રોડ અને વલસાડ સેક્શન વચ્ચે સાવચેતીના પગલારૂપે ટ્રેન સેવાઓ આંશિક રીતે સ્થગિત કરવામાં આવી હતી તથા કેટલીક જગ્યાએ ઝડપ મર્યાદા સાથે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. વિગતવાર માહિતી મુજબ, ઉમરગામ રોડ અને ઘોલવડ સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ નંબર 203 પર પાણીની સપાટી ભયજનક નિશાનને સ્પર્શી જતાં વહેલી સવારે 4.43 વાગ્યે અપ અને ડાઉન બંને ટ્રેક પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જોકે, ત્યારબાદ પાણીનું સ્તર થોડું ઘટતાં અને ટ્રેકની ચકાસણી કર્યા બાદ સવારે 6.50 વાગ્યે આ બ્રિજ પરથી 15 કિલોમીટર પ્રતિ કલાકની સાવચેતીભરી ઝડપ મર્યાદા સાથે ટ્રેનોની અવરજવર પુનઃ શરૂ કરવામાં આવી હતી. જેથી આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો સુરક્ષિત રીતે આગળ વધી શકે.

