જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ બે કુખ્યાત પ્રોહીબુટલેગરો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરીને તેમને સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપ્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, પ્રોહીબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત પી.આઈ. વી.બી. ચૌધરી અને પી.એસ.આઈ. એમ.વી. ભાટીયાની ટીમે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા મંજૂર થતાં જ વોરંટની બજવણી કરવામાં આવી હતી.

પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા આરોપીઓમાં જામનગરના નાગેશ્વર કોલોનીમાં રહેતા મુર્તુજા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ (ઉં.વ. ૩૦) નો સમાવેશ થાય છે. તેની સામે પ્રોહીબિશનના ચાર ગુના નોંધાયેલા છે અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.
અન્ય આરોપી ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર મસીયા (ઉં.વ. ૨૬) છે, જે સનસીટી-૨, કાલાવડ નાકા બહાર રહે છે. તેને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા, શરદભાઈ પરમાર, હીરેનભાઈ વરણવા અને સુરેશભાઈ માલકીયા સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

