Gujarat

સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના કોંગ્રેસ પર આક્ર શાબ્દીક પ્રહાર

કોંગ્રેસે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ‘ નું અપમાન કર્યું છે અને તેને રોકવાની કોશિશ કરી: સી.આર. પાટીલ

સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ‘ નું અપમાન કર્યું અને તેને રોકવાની પણ કોશિશ કરી છે. આ સાથે તેમણે પેપર લીક, સંસદનું ચોમાસુ સત્ર અને મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસની નકારાત્મક ભૂમિકાની આકરી ટીકા કરી હતી.

સંસદમાં ચર્ચાના બદલે કોંગ્રેસે હોબાળો કરી સત્રનો સમય વેડફ્યો

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સંસદનું ચોમાસુ સત્ર સુચારુ રીતે ચાલે અને પ્રજાલક્ષી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય તે માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ કોંગ્રેસના સભ્યો ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર જ નહોતા.

કોંગ્રેસે મહત્વપૂર્ણ સરકારી બિલો અટકાવવા અને વિલંબ થાય તેવા પૂર્વયોજિત પ્રયાસો કર્યા હતા અને માત્ર હોબાળો મચાવીને સંસદનો કિંમતી સમય વેડફી નાખ્યો હતો. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે અને ઝારખંડ જેવા ગંભીર મુદ્દાઓ પર મૌન સેવી રહી છે. પેપર લીક મામલે સરકારે અત્યંત કડક અને દાખલારૂપ પગલાં લીધાં હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

મહિલા અનામત બિલ અને સીમાંકન અંગે નિવેદન આપતાં સી.આર. પાટીલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા દેશની નારીશક્તિને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો છે, જેને દેશની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર આવનારા દિવસોમાં દેશની તમામ મહિલાઓને તેમનો પૂરેપૂરો હક અને અધિકાર અપાવશે.

જ્યારે દેશમાં પ્રતિનિધિત્વ અને સીટોની સંખ્યામાં મોટો વધારો થવાનો હોય ત્યારે સીમાંકન પ્રક્રિયા હાથ ધરવી અત્યંત અનિવાર્ય અને બંધારણીય જરૂરિયાત બની જાય છે. સી.આર. પાટીલે અંતમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દેશના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, જ્યારે વિપક્ષ માત્ર રાજકીય રોટલા શેકવા માટે લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યો છે.