Gujarat

ઝોનલ ઓફિસના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ

જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ખલીલપુર રોડ પર આવેલી નવી ઝોનલ ઓફિસના ખાતમુહૂર્તનો મામલો હાલ ભારે ચર્ચામાં આવ્યો છે અને તેને લઈને રાજકારણ ગરમાયું છે. અગાઉ પણ આ જ જગ્યા પર જૂનાગઢના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં યોગ્ય બેસવાની વ્યવસ્થા, મંડપ સર્વિસ કે પૂરતા પ્રમાણમાં ખુરશીઓ ન હોવાના કારણે તે સમયે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો.

આજે ફરીથી આ જ જગ્યા પર ખાતમુહૂર્ત થવાનું હોવાની સોશિયલ મીડિયામાં આમંત્રણ પત્રિકા વાઇરલ થઈ હતી, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ બાબતને ભ્રામક ગણાવીને રદિયો આપવામાં આવ્યો હતો.

​જોકે, આ મામલે જ્યારે વિપક્ષ દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી ત્યારે ખલીલપુર રોડ પર જે જગ્યા પર ખાતમુહૂર્ત યોજાવાનું હતું ત્યાં સમિયાણો, મંડપ સર્વિસ, ખુરશીઓ અને ગાદલા સહિતનો તમામ સામાન વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સ્થિતિ સામે આવ્યા બાદ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા શાસકો સામે આક્રમક આક્ષેપો કરવામાં આવ્યા હતા.