National

આજે NSA અજીત ડોભાલને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને આ વર્ષના પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. લોકમાન્ય તિલકની ૧૦૬મી પુણ્યતિથિ નિમિત્તે પુણેમાં આજે (૧ ઓગસ્ટ)ના રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડૉ. રોહિત તિલકે આજે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. આ પુરસ્કારમાં સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર શામેલ છે.

ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, ગુપ્ત મિશન અને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ અજિત ડોભાલની પસંદગી કરવામાં આવી છે. તેમણે ઓપરેશન બ્લેક થંડર, ડોકલામ રાજદ્વારી વાટાઘાટો અને બાલાકોટ હવાઈ હુમલા સહિત અનેક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કેરળ કેડરના ૧૯૬૮ બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી, ડોભાલે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ગુપ્તચર સંસ્થામાં સેવા આપી હતી અને બાદમાં ગુપ્તચર બ્યુરોનું નેતૃત્વ કર્યું હતું. તેઓ હાલમાં ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે.