Gujarat

કલેકટર કચેરી ખાતે જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી, જામનગર દ્વારા આયોજિત કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ સેમિનાર અને સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને સ્થાનિક ફરિયાદ સમિતિના સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં મહિલાઓની જાતીય સતામણી થતી અટકાવવા અંગે આંતરિક ફરિયાદ નિવારણ સમિતિઅને કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સ્થાનિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવશે.

બેઠકમાં કલેકટરશ્રી તેમજ અન્ય સદસ્યશ્રીઓએ જણાવ્યું હતું કે, કોઈપણ મહિલા SHE BOX- https://www.shebox.nic.in  આ પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવી શકે છે. કામકાજના સ્થળની આ કાયદા અંતર્ગત વિશાળ વ્યાખ્યા છે કે જેમાં મહિલાઓ કામ કરતી હોય તેવું કોઈ પણ સ્થળ જેમાં સંસ્થા, વિભાગ, ફેક્ટરી, રહેઠાણ, શાળા, પરિવહન સેવા, અને ૧૦થી ઓછા કામદારો હોય તેવું અસંગઠિત ક્ષેત્ર- આમ જે જગ્યાએ મહિલાઓ કામ કરે છે તે તમામ જગાયોનો આ કાયદા હેઠળ કામકાજના ક્ષેત્રમાં સમાવેશ થઇ જાય છે. આ તમામ પ્રકારના કામકાજના સ્થળે મહિલાઓને શારીરિક સ્પર્શ, માનસિક કે ભાવનાત્મક સતામણી કરવી, જાતીય ટિપ્પણી કે વિનંતી, અશ્લીલ કે સાંકેતિક ભાષા, અશ્લીલ સાહિત્ય બતાવવું કે મહિલાઓને મંજુર ન હોય તેવા કોઈ પણ પ્રકારની સતામણી કરવી- આ તમામ પ્રકારની સતામણી વિરુદ્ધ કોઈપણ મહિલા ફરિયાદ નોંધાવી શકે છે.

કલેકટરશ્રીએ આગળ જણાવ્યું હતું કે, ભોગ બનેલ મહિલા બનાવના ૩ માસ સુધીમાં ઓનલાઇન કે ઓફલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. જો મહિલા શારીરિક માનસિક રીતે અસમર્થ હોય કે તેનું મૃત્યુ નીપજ્યું હોય તો તેના વારસદાર પણ ફરિયાદ કરી શકે છે જો મહિલા આ બંનેમાંથી કોઈપણ સમિતિમાં પોતાની ફરિયાદ કરવા ન માંગતી હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૯ હેઠળ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદી મહિલાને થયેલ શારીરિક, માનસિક, ભાવનાત્મક તણાવ અને આઘાત બદલ તબીબી ખર્ચ, મળવાપાત્ર રજાઓ અને ૩ માસ સુધીની રજા મળી શકશે. તેમજ આરોપીની બદલી સુધીના પગલાં પણ લેવામાં આવશે. આંતરિક સમિતિએ ફરિયાદનો ૯૦ દિવસમાં નિકાલ કરવાનો રહેશે, અને ૧૦ દિવસ સુધીમાં તપાસના તારણો સાથેનો અહેવાલ કચેરીના વડાને સુપરત કરવાનો રહેશે.

કોઈપણ કામકાજના સ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું તે કચેરીના વડાની જવાબદારી છે. આંતરિક સમિતિના સભ્યોની માહિતી જાહેરમાં સ્પષ્ટ રીતે દેખાય તે મુજબ ૩*૨ નું બોર્ડ પ્રદર્શિત કરવાનું રહેશે. આ કાયદાની સમજણ દરેક કર્મચારીને પણ આપવાની રહેશે. તેમજ માહિતી અધિકાર અધિનિયમ મુજબ આવી કોઈપણ મહિલાની માહિતી કે અરજીની વિગતો જાહેર કરવાની રહેશે નહીં. જેના ભંગ બદલ રૂ.૫,૦૦૦નો દંડ થઇ શકે છે. જે કચેરી/એકમ/સંસ્થા કે અન્ય કોઈપણ કામકાજનાં સ્થળે જો આ સમિતિની રચના કે કાયદાનું અમલીકરણ ન થાય તો તે બદલ રૂ.૫૦,૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે. જો કોઈ મહિલા દ્વારા ખોટી રીતે ફરિયાદ કરવામાં આવશે તો તેણી પર પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે- આ તમામ બાબતો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન. ખેર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન વર્ણગર, શ્રી હંસાબેન ટાઢાણી, મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, શ્રી રૂકસાદબેન ગજણ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીશ્રીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *