Gujarat

ગઈકાલે અંગ્રેજી નવા વર્ષ ૨૦૨૩ ના પ્રારંભે સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પર્વ દ્વાદશીના ઉપક્રમે પ. પૂ મોરારી બાપુની પ્રેરક નિશ્રામાં અહીં જે. વી મોદી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં સંન્માન પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા ગઈકાલે અંગ્રેજી વર્ષ ૨૦૨૩ ના પ્રારંભે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પર્વ દ્વાદશીના ઉપક્રમે પ. પૂ. મોરારી બાપુની નિશ્રામાં સંન્માન પર્વ કાર્યક્રમ અહીંના જે. વી. મોદી હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંન્માન્ય વ્યક્તિ / સંસ્થા શ્રી લાભશંકર પુરોહિત, શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરાં મૂંગા શાળા – અમરેલી, શ્રી જયશ્રી મર્ચન્ટ, શ્રી ભરત ખેની,શ્રી હર્ષવી પટેલ, શ્રી ઉપજ્ઞા પંડ્યા વગેરેને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ. પૂ. મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલા તેમજ દેશ વિદેશથી પધારેલા માનવંતા મહેમાનોની ઉપસ્થિતિમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ એનાયત કરી જાહેર સંન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂ. મોરારી બાપુએ તમામને આશીર્વાદ પાઠવ્યા હતાં અને આ સંસ્થા માટે પોતે હમેશાં ઉપલબ્ધ રહેશે તેવો જાહેરમાં કોલ આપેલ. આ ઉપરાંત પૂ. બાપુએ આદસંગના ભગવાન બાપાને યાદ કરી જૂનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં અને ગુરૂત્વ અને શિષયત્વનાં સમન્વયથી શુભ ભાવના દ્વારા લોકકલ્યાણના કાર્યો અવિરત થઈ શકે છે તેવો સંદેશો પણ આ વિદ્યાગુરુની સેવાકીય પ્રવૃત્તિઓને લક્ષમાં રાખીને આપેલ. આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનની આરોગ્યલક્ષી સેવાને બિરદાવી હતી અને સાહિત્ય આરોગ્ય, શિક્ષણના મહિમાવંત કાર્યો દ્વારા સામાજિક જનચેતના જાગૃત થાય છે અને દેશના નવનિર્માણમાં આવી સંસ્થાઓ જ અગ્રેસર રહી શકે છે. તેમણે જાહેર મંચ પરથી પ. પૂ. સ્વ.લલ્લુબાપા અને પૂ.સ્વ. ભગવાનબાપાનાં કાર્ય લક્ષને યાદ કરી બંનેના ઉદ્દેશ લોકકલ્યાણના જ હતાં એવું જણાવ્યું હતું. અને જાહેર મંચ પરથી આદસંગ મુકામે પ. પૂ. મોરારી બાપુની પાસેથી એક કથા સપ્તાહની યાચના કરી હતી. અને આ પ્રસંગે ડો. માનસેતા સાહેબના આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેવાના આગ્રહની વાતને પણ જાહેરમાં નિર્દેશિત કરી  હતી. આ તકે ધારાસભ્યશ્રી એ વિદ્યાગુરુ ફાઉન્ડેશનની સેવા માટે તત્પરતા દર્શાવી હતી.
કાર્યક્રમનું સંચાલન ભદ્રાયુ વાચ્છાણી અને પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવેલ. પૂ રતિલાલ બોરીસાગર સાહેબ તથા સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા સમેત ટ્રસ્ટી ગણે આ સંસ્થાના વિકાસ સંદર્ભે પૂ. મોરારી બાપુનાં આશીર્વાદ પણ માંગ્યાં હતાં.. વિશાળ શ્રોતાગણની હાજરીમાં કાર્યક્રમનું સમાપન થયું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીગણ તથા ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *