દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી એકતા પરિષદ દ્વારા 13,14 અને 15 જાન્યુઆરીના રોજ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન કરાયું છે. આ વખતે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ગામે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સંમેલનમાં દેશના ખૂણે ખૂણાથી આદિવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળે આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરાની સાથે રહેણીકરણીની ઝાંખી દર્શાવતી પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આદિવાસીઓની કલા, સંસ્કૃતિ, ભાષા, ઘરેણાં અને પહેરવેશના વૈવિધ્યના પ્રદર્શનથી મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સર્જાયા છે. આદિવાસી સાંસ્કૃતિક એકતા મહસંમેલનનો ઉદ્દેશ્ય આદિવાસીઓની એકતાની સાથે સંસ્કૃતિની જાળવણી અને પ્રકૃતિના રક્ષણનો છે. તેવામાં આ કાર્યક્રમમાં 15 રાજ્યોના આદિવાસીઓ તો આવવાના છે સાથે સાથે આદિવાસી સમાજના રાજીકીય, સામાજિક આગેવાનો તેમજ યુનોના પ્રતિનિધિ પણ મહા સંમેલનમાં ભાગ લેશે જેને લઈ કાર્યક્રમ વૈશ્વિક સ્તરે ઓળખ પામશે
કવાંટ ખાતે આયોજિત રાષ્ટ્ર કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવતા લોકોને ધ્યાને રાખી સુરક્ષા અને સલામતીની તમામ વ્યવસ્થા પ્રશાસન અને આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશના વિવિધ પ્રાંતોથી આવતા આદિવાસીઓ માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવા આવી છે તો આદિવાસીઓની સંસ્કૃતિને નિહાળવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે જેને લઈ સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


