રાજકોટ
રાજકોટમાં રહેતા રાજુલાના શખસ ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફત જાલીનોટો ઘૂસાડી હતી. આ મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને જાલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે. તેની પાસેથી ૧૨,૭,૫૦૦ની ૫૦૦ના દરની ૨૪૧૫ નકલી નોટ કબ્જે કરી છે. પોલીસે કમલેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ભરતના ઘરેથી પણ તપાસ દરમિયાન ૨૦૦૦, ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ના દરની વધુ ૫૧૩ નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. આ નકલી નોટ કમલેશે જ ભરતને આપી હતી. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે બે આંગડિયા પેઢીમાં જાલીનોટ જમા કરાવનાર મુખ્ય આરોપી ભરત બોરીચા સહિત ૫ આરોપીની ધરપકડ કર્યા બાદ ભરતને જાલીનોટ આપનાર આરોપી કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કમલેશ પાસેથી ૧૨,૭,૫૦૦ કિંમતની ૫૦૦ના દરની ૨૪૧૫ નકલી નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. પુણેમાં ચોકલેટ, બિસ્કીટ, કટલેરીના વેપારનું કામ ધરાવતા કમલેશે નકલી નોટો હૈદરાબાદથી મગાવી હતી અને ભરતને ૪૫ ટકાના અસલી નોટોના દરે નકલી નોટો આપી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. કમલેશ પાસે વધુ લાખોની નકલી નોટોનો જથ્થો હોવાની પોલીસને પૂરી આશંકા છે. ત્યારે આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આરોપી કમલેશના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી ભરત બોરીચાની પૂછપરછ કરતા તેમની પાસે વધુ નકલી નોટો હોવાનું માલુમ પડતા તે જથ્થો તેમના ઘરે રાજુલા રાખી હોવાનું સામે આવતા આરોપીને સાથે રાખી પોલીસે રાજુલા તેના ઘરેથી ૨૦૦૦ના દરની ૧, ૫૦૦ના દરની ૧૪૩, ૨૦૦ના દરની ૯૯ અને ૧૦૦ના દરની ૨૭૨ મળી કુલ ૧,૨૦,૫૦૦ કિંમતની ૫૧૩ નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેંક બ્રાંચના ઓપરેશનલ હેડ તુષારભાઇ સુરેશભાઇ રાવલે ૧૩ જાન્યુઆરીના રોજ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેંકના ખાતેદાર સંદીપકુમાર કાંતીલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. તેઓએ ૫૦૦ના દરની કુલ ૩૧ જાલી નોટ જમા કરાવી હતી. જેથી મેનેજરે આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવ્યાનું ખુલતા પોલીસે આંગડીયા પેઢીમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. આંગડિયા પેઢીની તપાસમાં રાજકોટની પી.એમ. આંગડિયા પેઢીમાં ભરત બોરીચાએ જાલીનોટ જમા કરાવ્યાનું સામે આવ્યું હતું. જે બાદ ભરત બોરીચાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે સંડોવાયેલા આરોપી તેજસ ઉર્ફે ગોપાલ જસાણી, વિમલ થડેશ્વર, ગુરપ્રિતસીંગ કારવાણી અને મયુર થડેશ્વર સહિત ૫ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે પાંચેયના ચાર દિવસના ગઈકાલે રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.


