પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્વારા નાણાની જરૂરિયાત વાળા માણસોને સહેલાઇથી અને વ્યાજબી વ્યાજદરે નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા નાણાની જરૂરીયાત વાળા લોકોને ઉંચા વ્યાજે રૂપિયા લેવાની ફરજ ન પડે અને બેન્ક દ્વારા પણ ઓછા વ્યાજે નાણા મળી રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરી, આજરોજ તા.૦૫/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ.
આ લોન મેળામાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ૧૯ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા તાલીમ કેન્દ્ર, તેમજ અમરેલી નગરપાલિકાના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા, બેંકના પ્રતિનિધીઓ દ્વારા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ હાજર લોકોને મળવાપાત્ર લોન અંગેની યોજનાઓ તથા સહાય વિશે માહિતગાર કર્યા હતા.
અલગ અલગ બેંકના પ્રતિનિધીઓએ નાણાની જરૂરિયાત વાળા લોકોને સહેલાઈથી અને ઓછા વ્યાજે નાણા મળી રહે તેવા ઉમદા વિચાર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત લોન મળી શકે તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અમરેલી પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ લોન મેળામાં જિલ્લા ભરમાંથી ૮૦૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમાં નાણાની જરૂરીયાત વાળા લોકોએ લોન માટે ૭૮૦ ફોર્મ ભર્યા હતા. આ લોન મેળામાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ, સાવરકુંડલા ડિવિઝનના ના.પો.અધિ.શ્રી એચ.બી.વોરા, અમરેલી ડિવિઝનના ના.પો.અધિ.શ્રી જે.પી.ભંડેરી, મુખ્ય મથક ના.પો.અધિ.શ્રી એ.જી.ગોહિલ તથા અમરેલી જિલ્લાના તમામ પો.સ્ટે./શાખાના ઇન્ચાર્જ અધિકારીશ્રી, પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોન મેળા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના સમાપન સમયે સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા નાઓએ તમામ બેન્કના પ્રતિનિધીઓ તથા હાજર રહેલ લોકોને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત લોન મેળો ૨૦૨૩
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

