ભરૂચ
ભરૂચ તાલુકાના કરેડિયા નાળાથી દયાદરા ગામના માર્ગ ઉપર રીક્ષાને સ્વીફ્ટ કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. અકસ્માતમાં રીક્ષા ગટરમાં ફંગોળાઈ જતા માતા-પિતા અને પુત્ર સહિત ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારના ભાલીયાવાડ ખપ્પર માતાના મંદિર પાસે રહેતા કલ્પેશ મોહન રાઠોડ તેઓની રીક્ષા નંબર-જી.જે.૧૬.એ.ટી.૫૯૭૧ લઇ મકતમપુરથી મિત્ર હરિસિંહ શિવરાજસિંહ ઠાકોર અને તેઓની પત્ની પ્રભાબેન રાઠોડ, પુત્ર પ્રથમસિંહ સાથે કાવી-કંબોઈ ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચ તાલુકાના કરેડિયા નાળાથી દયાદરા ગામના માર્ગ ઉપર પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી સ્વીફ્ટ કાર નંબર-જી.જે.૧૬.બી.જી.૩૯૨૮ના ચાલકે રીક્ષાને ટક્કર મારી ગટરમાં ફંગોળી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-પિતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જયારે રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


