સતત 4 કલાક ચાલ્યું દીપડા શોધવા સર્ચ ઓપરેશન! ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો!
બોડેલી તાલુકાના નાની તેજાવાવ ગામે બે દીપડા જોવા મળ્યાની વાતે છોટાઉદેપુર વન વિભાગ દોડતું થયું હતું.જિલ્લાના તમામ આર.એફ.ઓ.સહિત 80 વન કર્મચારીઓ નાની તેજાવાવના કપાસના ખેતરમાં દીપડાની જોડી શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.લાગલગાટ 4 કલાકની મહેનતને અંતે એ કપાસના ખેતરોમાંથી ત્રણ ભૂંડો જ મળી આવ્યા હતા.વન વિભાગના અધિકારીઓને ખોદયો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવો ઘાટ થતાં મહેનત એળે ગઇ હતી.
બોડેલી વિસ્તારમાં આદમખોર દીપડાના કહેર પછી સમગ્ર વિસ્તારમાં દહેશત અને ભય વ્યાપેલા છે.વન વિભાગની નિષ્ફળતા સામે વકીલ મંડળ પણ મેદાને પડેલું છે.અમલપુરા ગામેથી દીપડો ઝડપી તો પાડ્યો હતો પણ તે એજ આદમખોર છે કે અન્ય? તે હજી નક્કી થઈ શક્યું નથી.તે વચ્ચે નાની તેજાવાવમાં બે મહિલાઓ કપાસના ખેતરમાં ચાર કાપવા ગઈ ત્યારે ત્યાં તેમણે માત્ર 10 ફુટ દૂર ઉભેલો દીપડો જોયો હતો.દીપડો પોતાના શરીરને જીભ વડે ચાટતો હતો અને તેની નજર સામેની દિશામાં ન હોવાથી બન્ને મહિલાઓ ખેતરમાંથી જીવ બચાવીને ભાગી હતી તેમ તેમણે મીડિયા સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું.
વન વિભાગની ટીમે આ ખેતરમાં ધામા નાખી વન્ય પ્રાણી હુમલાથી સુરક્ષિત રહેવાની કીટ પહેરી ખેતરમાં સર્ચ કર્યું હતું.જેતપુરપાવી આર.એફ.ઓ.વનરાજસિંહ સોલંકીએ ડાર્ટ ગન લઇ નિશાન લેતા દીપડાને બેહોશ કરવા તૈયારી પણ કરી લઇ પોઝીશન લઇ એલર્ટ પણ થઈ ગયેલા.ચાર કલાક સર્ચના અંતે દીપડો ત્યાં છે જ નથીનું ગ્રામજનોને વન કર્મીઓએ જણાવ્યું હતું.
બોક્સ 1
એક દીપડો તદ્દન નજીકથી મેં જોયો અને જીવ બચાવી નાઠી!
દીપડાને પોતે નજરે જોયાનું કહેનાર નાની તેજાવાવના રેખાબેન પંકજભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમે બે ત્રણ મહિલાઓ ચાર કાપવા ગઇ હતી ત્યારે એક દીપડો જોયો હતો.તે કદમાં નાનો હતો જે પરથી બચ્ચું હોવાનું પણ પ્રતિત થતું હતું.ગ્રામજનોને જાણ કરતા આ વૃક્ષ પર ચઢી બધાએ જોયું હતું અને બે દીપડા ત્યાં હાજર હોવાનું નોંધ્યું હતું!
બોક્સ 2
હું અને વર્ષાબેન ચાર કાપવા ગયેલા ત્યાં દીપડો જોઈ ભાગ્યા!
નાની તેજાવાવ નવી વસાહતના મંગુબેન મનહરભાઈ રાઠવા જણાવે છે કે, સવારે નવ વાગ્યે મારી સાથે ખેતરમાં ચાર કાપવા વર્ષાબેન નરપતભાઇ રાઠવા રહે.કૂકણા સાથે હતા ત્યારે માત્ર 10 ફુટ દૂર એક દીપડો પોતાના શરીરને ચાટતો જોયો હતો.અમે ગભરાઈ ગયા હતા અને દોડીને ખેતરમાંથી બહાર નીકળી ગયા હતા.તેજાવાવના કિરૂભાઈને અહીં દીપડો છે તેમ કહી તેઓને સામી તરફના ખેતરેથી આ તરફ ન આવવા કહી ગામના આગેવાનોને દીપડાની ગામમાં હાજરીની જાણ કરી હતી.
બોક્સ 3
અમે એ ખેતરમાં સર્ચ કર્યું તો ત્રણ ભૂંડો જ જોવાયા
-નિરંજન રાઠવા, આર.એફ.ઓ.,છોટાઉદેપુર
અમને કૂકણા ગામેથી ફોન આવ્યો હતો કે દીપડો જોવા મળ્યો છે જેથી અમે સ્થળ પર કપાસના ખેતરે ગયા હતા. ત્યાં તપાસ કરતાં માત્ર 3 ભૂંડો જ જોવા મળ્યા હતા.સૌ પ્રજાજનો અને નાગરિકોને તેમણે અપીલ કરતા જણાવ્યું છે કે, દીપડા અંગે કોઈ પણ જાણકારી પહેલાં અમને આપો.ગામમાં વાત ફેલાય તો લોકોમાં ભય ફેલાય છે.અમે તપાસ કરીશું.તપાસ બાદ વાત ફેલાય તો વાંધો નથી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


