જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે તા.૧૫/૨/૨૦૨૩ થી ૧૮/૦૨/૨૦૨૩ દરમિયાન મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી રજૂ થયેલ દરખાસ્ત વ્યાજબી જણાતી હોય, ટ્રાફિક નિયમન કરવા તથા સાવચેતીના પગલા લેવાનું અનિવાર્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જૂનાગઢ એલ.બી.બાંભણિયાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧(આંક-૨૨)ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળા દરમિયાન ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ વાહનોની અવરજવર માટે નીચે મુજબ અમલવારી કરવા જણાવાયુ છે.
તા.૧૫/૦૨/૨૦૨૩ થી ૧૮/૦૨/૨૦૨૩ ના કલાક ૧૦ સુધી તમામ પ્રકારના વાહનો જેમાં(પેસેન્જર રીક્ષા/મહાનગરપાલિકા સંચાલીત મીનીબસ તથા જી.એસ.આર.ટી.સી. મીની બસ સિવાયના) ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે પ્રવેશબંધી રહેશે.
તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૮/૨/૨૦૨૩ દરમિયાન લોકોની આવક વધુ થાય ત્યારે જાહેર સલામતિના હેતુસર પરિસ્થિતિનું મુલ્યાંકન કરીને, સદરહુ વિસ્તારમાં નાના/મોટા અથવા બન્ને પ્રકારના વાહનોની અવરજવર ઉપર પોલીસતંત્ર પ્રતિબંધીત કરી શકશે.
તા.૧૮/૨/૨૦૨૩ ના રોજ મહાશિવરાત્રી હોઇ, બહોળા પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોઇ, વધુ પ્રમાણમાં ભીડ થવાના કારણે ટ્રાફિક નિયમન રાખવું જરૂરી હોઇ, તા.૧૮/૨/૨૦૨૩ના રોજ સવારના ૧૦ કલાકથી તા.૧૯/૨/૨૦૨૩ સુધી સવારના ૧૦ કલાક સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહોનોને ભવનાથ તળેટી જવા માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧(આંક-૨)ની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ગુનો માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
મેળાની કામગીરી સાથે સંકળાયેલા સરકારનાં સબંધિત ખાતા તથા પોલીસ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવેલ વાહન પાસવાળા વાહનોને આ જોગવાઇ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.
