Gujarat

PGVCLની ૩૬ ટુકડીઓ દ્વારા વીજચેકિંગ : રૂા.૧૬.૫૪ લાખનો દંડ ફટકારાયો  

જૂનાગઢ જિલ્લામાં વીજચોરી અટકાવવા માટે PGVCL તંત્રએ કમરકસી છે. જિલ્લાના વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના વિસ્તારમાં PGVCL ૩૬ જેટલી ટુકડીઓએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૪૦૩ જેટલા વીજ જોડાણ તપાસતા ૮૦માં ગેરરીતીઓ સામે આવી હતી. આમ, વીજચોરી માટે તંત્રએ રૂા.૧૬.૫૪ લાખનો દંડ ફટકાર્યો હતો.

જૂનાગઢ વિભાગીય કચેરી-૧ હેઠળની જૂનાગઢ રૂરલ, વિસાવદર-૧, વિસાવદર-૨, બિલખા તેમજ ભેંસાણ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૬ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૦૩ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા. જે પૈકી ૮૦ વીજજોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલુમ પડતાં કુલ રૂ.૧૬.૫૪ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-૨૨ થી જાન્યુઆરી-૨૩ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬૬૨૯ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે. જેમાંથી કુલ ૨૮૯૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ.૭૫૧.૧૨ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૫૬૯૧૬૮ વીજજોડાણો ચકાસીને કુલ ૬૭૫૮૪ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ.૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્યાં છે.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *