સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
જો આવું થયું તો દરેકને ખૂબ કપરાં દિવસોનો સામનો કરવો પડશે.. ટૂંકમાં જીવન દુષ્કર બની જાય તો નવાઈ નહીં.. સંભાવના એવી સેવાઈ રહી છે કે આ વર્ષે અલનીનો ની અસરને કારણે ચોમાસામાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.. જો આવું થશે તો દુષ્કાળની સંભાવનાને નકારી શકાય નહીં. એક તો હજુ કોરોના કાળમાંથી થોડી કળ વળી એમાં અધુરામાં પુરૂ સાવરકુંડલા વિસ્તારનાં લોકોએ તો તોકતે વાવાઝોડાનો માર પણ સહન કર્યો. અને થોડા દિવસ તો લાઈટ પાણી માટે પણ સાંસા પડ્યાં હતાં એ કરુણાંતિકા તો જેણે અનુભવી છે તેને જ ખ્યાલ હોય.. આ તમામ વિપરિત પરિસ્થિતિનો સામનો કરી જનજીવન હજુ માંડ થાળે પડ્યું ત્યાં સાવરકુંડલા શહેરનું નવનિર્માણ કરવા માટે કોમર્શિયલ દબાણો દૂર કરવાની ઝૂંબેશ ઉપડી લગભગ ચારસોથી વધુ નાના ધંધાવાળા કે જે કેબિન રાખીને પેટિયું રળતા હતાં એને ડિમોલીશનની મોટી ફોજે દબાણ હટાવ ઝૂંબેશ અંતર્ગત દૂર કર્યા.. હજુ નદી બઝાર પર આવેલ પાલા કેબિન પર પણ દબાણ હટાવની ઝૂંબેશની તલવાર લટકી રહી છે. એટલે લગભગ એક હજાર જેટલાં પરિવાર ધંધા રોજગાર વિહોણા બની ગયા.. અને પરોક્ષ રીતે જોઈએ તો લગભગ અંદાજિત પાંચેક હજાર લોકોના ઘરના ચુલા કેમ સળગશે એ પણ મનોમંથનનો વિષય જ રહ્યો.. આવી પરિસ્થિતિ વચ્ચે જો આ ચોમાસું નિષ્ફળ જવાની સંભાવના વ્યક્ત થતી હોય તો આમજનતાનું શું થશે? એ તો રામ જાણે.. વિકાસ એટલે રોજગારી પણ હોય શકે.. પરંતુ એવું હકીકતમાં બને છે ખરું? જરૂર છે રોજગારી સર્જનની. જરૂર છે એવરેજ લોકો સુખશાંતિથી જીવન જીવી શકે.. આ તમામ બાબતો સરકારી કર્મચારીઓને તો ઓછી નડે.. પણ પેલાં કાળા તડકે પણ રોજગારીની શોધમા જેના ચંપલ ધસાઈ જતાં હોય તેને ખબર પડે કે જીવન શું છે..! તંત્ર દ્વારા આવા લોકોનો ગહન સર્વે કરી કોઈ રોજગાર સર્જનની પોલીસી બનાવવી જોઈએ.
અને ખરાં અર્થમાં દબાણ હટાવ ઝૂંબેશને ચરિતાર્થ કરવી જોઈએ..
