યાર્ડ દ્વારા અનેક વખત ચેતવણી છતાં ખેડૂતોએ માલ ન ઉઠાવતા નુકશાન થયાનો ગણગણાટ : યાર્ડની બેદરકારીના આક્ષેપો તથ્યરહિત
જેતપુરમાં આજે અચાનક હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદ ત્રાટકતા મોટેભાગે ખેડૂતોને નુકશાન થયાનો કચવાટ સંભળાઈ રહ્યો છે.
બીજીબાજુ અકસ્માત સમયે નાના વાહન ચાલકનો વાંક હોવા છતાં મોટા વાહન ચાલક સામે ગુનો નોંધાય તેમ અગાઉ અનેક વખત કમોસમી વરસાદ અને માવઠાની જાહેરાત જેતપુર યાર્ડ દ્વારા કરાઇ હોવા છતાં આજે અચાનક વરસાદથી યાર્ડના પ્રાંગણમાં પડેલી હજારો રૂપિયાની જણસી પાણીમાં તણાઇ જવાથી ખેડૂતોને યાર્ડની બેદરકારીથી નુકશાની સહન કરવી પડી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. જો કે કમાઈ લેવાની લ્હાયમાં ખેડૂતોએ પોતાનો માલ, જણસીની સલામતી માટે લેશમાત્ર પ્રયાસ ન કર્યો હોવાનો આક્ષેપ પણ વિચારવા જેવો છે.
જેતપુરમાં આજે ઓચિંતો કમોસમી વરસાદ શરૂ થતાં લોકોએ ચોમાસા જેવા વરસાદનો અનુભવ કર્યો હતો. બીજી બાજુ વરસાદે આજે બધાને ઊંઘતા ઝડપી લીધા હોય તેમ વરસાદ શરૂ થતાં તમામ જનજીવન દોડતું થઈ ગયું હતું. ખાસ કરીને જેતપુરની ભાગોળે આવેલા માર્કેટ યાર્ડમાં વરસાદે વધુ વિનાશ વેર્યો હોવાના સમાચાર બહાર આવ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે, યાર્ડના લાગતાં વળગતા સત્તાધીશોએ ખેડૂતોની જણસીને સલામતી બક્ષવા કોઈ પ્રયાસ હાથ ન ધરતા કાળી મજૂરી વચ્ચે ઉગાડાયેલ ખેત જણસીઓ અધૂરા અરમાન બનીને વરસાદી પાણીમાં ભીંજાઇ ગઈ હતી તો અમુક જણસી પાણીના વહેણમાં વહેતી, તરતી જોવા મળી હતી. ખેડૂતો કહે છે કે આજના વરસાદથી ઘઉ, ઘાણા અને જીરું, ચણા અને મરચાં સહિતના તૈયાર અને ખેતર ઉપરાંત યાર્ડમાં પડેલા જથ્થાને પારાવાર નુકશાન થયું છે.
ત્રીજી બાજુ યાર્ડના સત્તાધીશોએ આ લખનારને જણાવ્યું હતું કે, સરકારી હવામાન ખાતાની માવઠાની આગાહી મુજબ સમયાંતરે ખેડૂતોને ચેતવણી આપવામાં આવી હતી કે અમુક જણસી યાર્ડમાં ન લાવવાઈ અને લવાઈ હોય તો સલામતીના ભાગરૂપે ખેડૂતોએ સહકાર દાખવી ખુલ્લામાં પડેલી જણસીઓ ઢાંકી દેવી. પણ ખેડૂતોની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી વચ્ચે આજે વરસાદે નુકશાની કરી છે.
( ફોટો હરેશ ભાલીયા )


