નવીદિલ્હી
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી કોંગ્રેસના લોકસભા સાંસદ સુરેશ ઉર્ફ બાલૂ ધાનોરકરે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણને પત્ર લખ્યો છે. ગુરુવારે લખવામાં આવેલ આ પત્રમાં કોંગ્રેસના સાંસદે માગ કરી છે કે, આર્થિક રીતે સમૃદ્ધ અને ખમતીધર સાંસદોના પેન્શન રોકવામાં આવે. નાણામંત્રીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ ધાનોરકરે જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં કુલ ૪૭૯૬ પૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. આ પૂર્વ સાંસદોને પેન્શન આપવા માટે દર વર્ષે લગભગ ૭૦ કરોડ રૂપિયા ખર્ચ થાય છે. તેમણે કહ્યું કે, લગભગ ૩૦૦ જેટલા પૂર્વ સાંસદો પર નભતા પરિવારોને પણ નાણાકીય લાભ મળે છે. પોતાના પત્રમાં ધાનોરકરે જણાવ્યું કે, કેન્દ્ર દ્વારા નાણા પોષિત પેન્શન મેળવનારામાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ (૨૦૨૨માં નિધન થઈ ગયું), સંજય ડાલમિયા, માયાવતી, સીતારામ યેચૂરી, મણિશંકર અય્યર અને અભિનેત્રી રેખા અને ચિરંજીવ જેવા મુખ્ય રાજનેતાઓ સામેલ છે. આ ઉપરાંત કેટલાય જાણીતા અને આર્થિક રીતે સંપન્ન પૂર્વ સાંસદો પણ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમણે માગ કરતા કહ્યું કે, આવા પૂર્વ સાંસદો જે ૩૦ ટકાથી વધારે આવક સ્લેબમાં આવે છે, તેમને આ નાણાકીય લાભ ન મળવો જાેઈએ. તેમણે નાણામંત્રીને આગ્રહ કર્યો કે, આવા પૂર્વ સાંસદોના પેન્શન બંધ કરી દેવા જાેઈએ. પત્રમાં ધનોરકરે એવું પણ કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે, દેશ સાથે પ્રેમ કરનારા કોઈ પણ પૂર્વ સાંસદ તેનો વિરોધ નહીં કરે.
