Gujarat

જેતપુરના બાવાપીપળીયા ગામમાં 3 ઘેટાંના મારણ કરતા સિંહો

જેતપુર પંથકને વનરાજોએ જાણે પોતાનું રહેઠાણ બનાવી દીધું હોય તેમ 10 દિવસ બાદ પણ અહીં સિંહોના ધામા યથાવત છે. ખારચિયા અને બાવા પીપળિયા વિસ્તારમાં 4 વનરાજોએ અત્યાર સુધીમાં 4 પશુઓને ફાડી ખાધા છે.
ત્યારે જેતપુર તાલુકાના બાવાપીપળીયા ગામના માલધારી ભીખાભાઇ જાદવભાઈ ઝાપડાની માલિકીના ગઈ કાલે સિંહોએ ૧૬ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પડી 3 ઘેટાનું મારણ કર્યું હતું ત્યારે સાવજોએ લાંબા સમયથી અહીં પડાવ નાખતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જૂનાગઢ રેન્જમાંથી આવેલા વનરાજોને જેતપુર પંથક માફક આવી ગયો હોય તેમ અહીંથી દૂર જવાનું નામ નથી લેતા. એક સાથે 4 સિંહોએ ખારચિયા ગામ અને બાવા પીપળિયા વિસ્તારમાં ધામા નાખ્યા છે. છેલ્લા 10 દિવસથી આ બે ગામમાં જ સિંહની હલચલ જોવા મળી રહી છે.
આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 4 પશુને સિંહે ફાડી ખાધા છે. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાડી વિસ્તારમાં રહેતા લોકો તેમજ ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે મોટાભાગે આ વિસ્તારમાં બે કે ત્રણ દિવસ રોકાણ કરતાં હોય છે. બાદમાં ફરી જૂનાગઢ રેન્જમાં જતાં રહેતાં હોય છે. પરંતુ આ વખતે 10 દિવસ બાદ પણ આ વિસ્તારમાંથી જવાનું નામ ન લેતા વનવિભાગના બે ગાર્ડ, બે ફોરેસ્ટર અને આરએફઓ સહિતના આ વિસ્તારમાં નજર રાખી રહ્યો છે.
આ વખતે વનરાજોએ લાંબો સમય અહીં રોકાણ કર્યું છે. મેટિંગ પીરિયડ સમયગાળો હોવાથી સિંહ લાંબો સમય રોકાયા છે. જૂનાગઢ રેન્જમાં મોટા સિંહ ડિસ્ટર્બ ન કરે તે માટે આ સિંહ આ બાજુ આવી ગયા હોવાનું અનુમાન છે.

IMG-20211009-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *