બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળની જિલ્લા ટાસ્ક ફોર્સની કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેમાં જૂનાગઢ જિલ્લાની દીકરીઓના શિક્ષણ આરોગ્ય સહિત તેમના સર્વાંગી વિકાસ માટે સાર્થક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ દીકરીઓના સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયા સંદર્ભ જરૂરી વિગતો મેળવી હતી અને દીકરીઓ શિક્ષણ અભિમુખ બને તે માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા. સાથે જ જુદી જુદી યોજનાઓને પણ અભ્યાસરત કન્યાઓને લાભ મળે તે માટે પણ નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં દીકરીઓના જિલ્લામાં તાલુકાવાર જાતિ પ્રમાણ રેશિયાની સમીક્ષા કરવામાં આવી હતી. દીકરીઓના જન્મના સહર્ષ વધામણા થાય તે માટે ધરાતલ પર યોજનાબદ્ધ રીતે કામ કરવા સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી.
ઉપરાંત સ્ત્રીઓ સાથે ઘરેલુ હિંસાના સંદર્ભે પણ જરૂરી વિગતો મેળવી હતી અને આ પ્રકારની ઘટનાઓમાં મહિલાઓને કાયદાકીય અને પ્રશાસનિક સહયોગ મળે સાથે જ સમાજમાં સ્ત્રી સાથે ઘટનાઓ હિંસા આચારનાર માટે શરમજનક બને તે માટે પ્રયાસો કરવા કલેક્ટર શ્રીએ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસવાળા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી નિવાસી અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ભીંભા સમાજ સુરક્ષા અધિકારી શ્રી રામાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


