આશા ત્યાં વાસા..આ ચાર શબ્દોમાં સંતોએ જીંદગીનો સાર મુકી દીધો છે.સંતો કહે છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંતના શ્રીચરણોમાં પહોંચી પરમ પિતા પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી તેમની સાથે સબંધ જોડવો અને આ ફક્ત મનુષ્ય જીવનમાં જ સંભવ છે.વિષય દર્શિત ચાર શબ્દોના માધ્યમથી સંતો કહે છે કે મૃત્યુ સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય, મન જેમાં લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે એટલે કે મોક્ષને પ્રાપ્ત થઇ શકે છે.
દુનિયાના તમામ કામ કરતાં કરતાં પણ પોતાના મનને પરમાત્મામાં લગાવેલું રાખવાનું છે.જો અમે આખી જીંદગી દુનિયાની ચીજવસ્તુઓ,પૂત્ર-પરીવાર,કારોબાર,ધન-દૌલત વગેરેનું ચિંતન કરીશું તો મરતી વખતે આ ચીજવસ્તુઓનું ચિંતન થશે અને ફરી પાછા જન્મ-મરણના ચક્કરમાં આવવું પડશે.
એકવાર એક સંત પોતાના શિષ્યો સાથે જંગલમાં પોતાના આશ્રમમાં રહેતા હતા.સંતે સારી કમાણી કરી હતી.એકવાર સંત બિમાર પડે છે.શિષ્યોને વિશ્વાસ હતો કે અમારા ગુરૂજી મૃત્યુ પછી સ્વર્ગમાં જ જવાના છે.એકવાર શિષ્યોએ પોતાના ગુરૂજીને પુછ્યું કે ગુરૂજી ! આપ સંસાર છોડીને જશો તો અમોને કેવી રીતે ખબર પડે કે મૃત્ય પછી આપ સ્વર્ગમાં ગયા છો? ગુરૂજીએ કહ્યું કે મારા મૃત્યુના ત્રીજા દિવસે આકાશમાં ઢોલ વાગવાનો અવાજ સંભળાય તો સમજી લેજો કે હું સ્વર્ગમાં ગયો છું.કેટલાક દિવસો બાદ ગુરૂજીનું અવસાન થાય છે.ચાર-પાંચ દિવસો વિતવા છતાં ઢોલ વાગવાનો અવાજ ના સંભળાયો.
ગુરૂજીના તેરમાના દિવસે તેમના એક ગુરૂભાઇ આવે છે.શિષ્યો તેમને તમામ હકીકત કહી પ્રશ્ન પુછે છે કે ગુરૂજીના વચન અનુસાર ઢોલનો અવાજ સંભળાયો નથી.ગુરૂભાઇએ આંખો બંધ કરીને ધ્યાન લગાવીને જોયું તો ગુરૂજીના અંત સમયે જ્યારે તેમને છેલ્લો શ્વાસ લીધો તે સમયે તેઓ એક બોરડીના વૃક્ષ નીચે સૂતા હતા.આ બોરડી ઉપર એક પાકું બોર હતું.અંત સમયે ગુરૂજીનું ધ્યાન બોરને ખાવામાં જાય છે અને તે સમયે જ તેમનું દેહાવસાન થાય છે એટલે શરીર છુટ્યા પછી તે એક કીડાનું શરીર ધારણ કરીને બોરમાં પૈદા થાય છે.ગુરૂભાઇએ તમામ વાત શિષ્યોને કરી અને કહ્યું કે આ પાકેલા બોર ઉપર ધ્યાન રાખજો.જ્યારે આ બોર પાકીને નીચે પડે અને તેમાં રહેલા કીડાનું મૃત્યુ થશે ત્યારે ગુરૂજીનો આત્મા સ્વતંત્ર થઇને સ્વર્ગમાં જશે અને તે સમયે તમોને ઢોલ વાગવાનો અવાજ સંભળાશે.શિષ્યોએ ગુરૂભાઇએ આપેલ સૂચનાઓનું પાલન કર્યું.ત્રણ દિવસ પછી બોર નીચે પડે છે અને શિષ્યોને ઢોલ વાગવાનો અવાજ સંભળાય છે.
આ વાર્તાના માધ્યમથી આપણે એ બોધ લેવાનો છે કે એક પૂર્ણ સંત હોવા છતાં અંત સમયે દુનિયાવી ઇચ્છાને વશીભૂત થતાં તેમને કીડાની યોનિમાં જન્મ લેવો પડ્યો એટલે અમારે પણ સંતોના વચનો અને સદગુરૂના આદેશ-ઉપદેશ અનુસાર દુનિયામાં સાક્ષીભાવે દુનિયાના તમામ કર્તવ્યકર્મો નિભાવીને પરમાત્માને હરપલ યાદ રાખવાના છે કે જેથી મૃત્યુના સમયે અમારૂં ધ્યાન દુનિયાના પદાર્થો કે સગા-વહાલાઓમાં ના જતાં એક પ્રભુ પરમાત્મામાં જોડાયેલ રહે કે જેથી અમારે ફરીથી જન્મ-મરણના ચક્કરમાં ના આવવું પડે..
૫રમેશ્વરને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી શકે છે એટલે કે મૃત્યુના બંધનથી છુટકારો મેળવી શકે છે તેના સિવાય ૫રમ૫દ પ્રાપ્તિેનો બીજો કોઇ માર્ગ નથી.
જેમ ઘણી બધી સ્ત્રીઓ(૫ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી બુધ્ધિથી કરી છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરી શકે છે.જો કે આ મનુષ્ય શરીર અનિત્ય છે પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્મોં ૫છી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્ય તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય જન્મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી


