સંભવિત બિપરજોય વાવાઝોડાની અગમચેતીના પગલે જૂનાગઢ જિલ્લામાં કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે અભિગમથી કાંઠા વિસ્તારના માંગરોળ તાલુકાના શીલ ગામે આપત્તિ વ્યવસ્થાપન તંત્રના તૈયાર કરવામાં આવેલા સાઈક્લોન શેલ્ટર ખાતે કાંઠા વિસ્તારના માછીમારો સહિત કાચાં મકાનોમાં વસતાં ૨૪૧ સ્થાનિકોને સલામત રીતે ખસેડવામાં આવ્યાં છે. અહીં ભોજન સાથે આરોગ્ય તપાસ અને ઇમરજન્સી માટે વાહન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આશ્રિતોમાંથી
૦૭ સગર્ભાઓ માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય, ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખે સાઇક્લોન શેલ્ટરની મુલાકાત કરી અને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરુરી સૂચનાઓ આપી હતી.
ગામના સરપંચશ્રી જયેશભાઈ ચુડાસમા સાથે તલાટી કમ મંત્રી શ્રી ગઢવી આરોગ્ય, પોલીસ અને વહીવટી તંત્રના સંકલનમાં રહી તમામ વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે.
ગામના સરપંચશ્રી જયેશભાઈ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, અહીંયા સ્થાનિક માછીમારો અને અન્ય લોકોને કન્યાશાળા અને સાઇક્લોન શેલ્ટર ખાતે તંત્ર દ્વારા લાવવામાં આવ્યા છે. જરુરિયાત મુજબ તમામ સગવડો આપી છે. અમારા વિસ્તારના સાંસદશ્રી રમેશભાઈ ધડુક પણ આ અંગે સતત કાળજી લઈ રહ્યા છે.
શીલ કન્યાશાળા ખાતે ૬૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પૈકી ૦૩ સગર્ભાઓ છે, જેમની શાળાના સ્ટાફ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. આ બંને સ્થળે ભોજન, પાણી, દવાઓ સહિની જરુરી ચીજો આપવામાં આવી છે.
આફતમાં બાળકોની વિશેષ કાળજી
એક તરફ આફતના એંધાણ બીજી બાજું માનવીય જુસ્સો…. આનું પ્રેરક ઉદાહરણ શીલ સાઇક્લોન શેલ્ટર ખાતે જોવા મળ્યું હતું. અહીં સ્થળાંતરિત કરવામાં આવેલા પરિવારનાં બાળકોને સીમ શાળાનાં શિક્ષિકાઓ દ્વારા બાળ ગીતો ગવરાવી તેમને પ્રવૃત્તિમય રાખવા સાથે જ્ઞાન સાથે ગમ્મત ભર્યું વાતાવરણ શેલ્ટર હોમ ખાતે પૂરું પાડવામાં આવ્યું હતું.


