બિપરજોય વાવાઝોડાની સ્થિતિમાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સગર્ભા બહેનોની વિશેષ દરકાર લેવામાં આવી રહી છે. ખાસ કરીને જે સગર્ભા મહિલાઓ છે અને તેમનો પ્રસુતિ સમય નજીક છે તેવી મહિલાઓને તકેદારીના ભાગરુપે અગાઉથી જ સરકારી દવાખાના કે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા. જેથી સગર્ભા અને તેમના પરિવાર પર આવનારી મુશ્કેલીઓ આવે તે પૂર્વે જ નિવારી શકાય.
માળીયાહાટીનાના કુબા વિસ્તારમાં રહેતા બાવલીબેન ધનજીભાઈ વાઘેલાને આશા બહેનો સહિતના આરોગ્ય કર્મીઓએ નજીકના માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર-૩ માં તા.૧૦-૬-૨૦૨૩નાં દિવસે દાખલ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં આરોગ્ય ટીમ દ્વારા સગર્ભા બાવલીબેનની જરુરી મેડિકલ ચેકઅપ અને સારવારની સાથે તેમની સતત કાળજી લેવામાં આવી રહી હતી. આમ, આરોગ્ય તંત્રની સમયસૂચકતા અને સતર્કથી તા.૧૧-૬-૨૦૨૩ના રોજ બપોરે ૩ કલાકે બાવલીબેનને પ્રસુતિ થઈ હતી અને દીકરાનો જન્મ થયો હતો. માતા અને શિશુનું સ્વાસ્થ્ય સારું છે.
ઉલ્લેખનીય છે કે, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ વાવાઝોડા દરમિયાન સગર્ભા બહેનોની વિશેષ તકેદારી અને સલામત રીતે સ્થળાંતર માટે જરુરી નિર્દેશો આપ્યા હતા. સગર્ભાઓને સ્થળાંતરિત કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
માળીયાહાટીના સીએસસીના ડો.કરમટાના માર્ગદર્શનમાં ડો. ધારા હરખાણી મેડીકલ ઓફિસર હેની નિર્મલ, મેડિકલ ઓફિસર કિંજલ ભટ્ટ, ફિમેલ હેલ્થ વર્કર ભાવનાબેન કાગડા, આશા વર્કર રસીલાબેન સોલંકી સહિતના આરોગ્યકર્મી આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે.


