જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા વીજ ફોલ્ટ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ખામધ્રોલ બાયપાસ નજીક મોટું વૃક્ષ ધરાશાયી થવાથી જ્યોતિગ્રામ ફીડરને અસર પહોંચી હતી. જેથી ત્રણ ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં તંત્ર દ્વારા ક્રેન સહિતના સાધનો દ્વારા ત્વરિત વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ, વીજ તંત્રની આ કામગીરીથી ખલીલપુર, વધાવી અને તલિયાધાર ગામમાં વીજ પુરવઠાને પુર્વવત કરવામાં આવ્યો હતો.
પડી ગયેલા વૃક્ષ દૂર કરવામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે પૂરતો સહયોગ મળ્યો હતો. જેથી પડી ગયેલા ઝાડ દૂર કરવાની અને વીજ પુરવઠો શરુ કરવાની કામગીરી હાથ ધરવામાં સગવડ થઈ હતી.
જૂનાગઢ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પગલે અસર પામેલા વીજ લાઈનના સમારકામ માટે વીજ કર્મીઓ સતત રાત દિવસ કાર્યરત છે. જિલ્લામાં પીજીવીસીએલની ૧૨૦ જેટલી ટીમ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જહેમત ઉઠાવી રહી છે, તેમ અધિક્ષક ઇજનેર શ્રી બી. ડી. પરમારે જણાવ્યુ હતુ. આ સાથે તેમણે કહ્યુ કે, જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયા આ બાબતે સતત માર્ગદર્શન આપી રહ્યા છે.


