ગુજરાત પોલીસ અને સિલ્વર ઓક યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસ દ્વારા આજરોજ તા. ૨૬-૦૬-૨૦૨૩ એ સિલ્વર ઓક
યુનિવર્સિટીના આર્યભટ ઓડિટોરિયમ ખાતે "નશા મુક્ત ગુજરાત – ડ્રગના દુરુપયોગ સામે જનજાગૃતિ અભિયાન" નું આયોજન કરવામાં
આવ્યું હતું. આ આયોજન "ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ" અંતર્ગત થયું હતું.
આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન શ્રી. પ્રેમ વીર સીંઘ, આઇ.પી.એસ., પોલીસ કમિશ્નર, અમદાવાદ સિટી પોલીસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે અથિતિ વિશેષ તરીકે ડૉ. લવીના સિન્હા, આઇ.પી.એસ., ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, ઝોન ૧, અમદાવાદ સિટી
પોલીસ, શ્રી. ભગીરથસિંહ જાડેજા, આઇ.પી.એસ., ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, ઝોન ૭, અમદાવાદ સિટી પોલીસ, શ્રી.
જયરાજસિંહ વાળા, આઇ.પી.એસ., ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ સિટી પોલીસ હાજર રહ્યા
હતા. શ્રી. કૃણાલ શાહ, એન્ટી ડ્રગ સ્ટ્રેટેજી એક્સપર્ટ અને ડૉ. યાત્રી, સાઇકિયાટ્રિસ્ટ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ – શ્રી જનક ખાંડવાલા, ડાઈરેક્ટર – શ્રી શ્વેતા ખાંડવાલા, વાઇસ ચાન્સેલર – ડૉ.
સૌરીન શાહ, ડેપ્યુટી વાઇસ ચાન્સેલર – ડૉ. પીના ભટ્ટ અને રજિસ્ટ્રાર – પ્રો. મીત શાહ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષના અલગ અલગ કોર્સમાં અભ્યાસ કરતા આશરે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તથા યુવા
શિક્ષકમિત્રોને એકત્ર કરીને તે દરેકને આ કાર્યક્રમમાં સહભાગી કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડૉ. સૌરીન શાહે વિદ્યાર્થીઓને કોઈપણ વ્યક્તિ કે ઘટનાના પ્રભાવમાં આવ્યા વિના ડ્રગથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ
દુષણથી બચવાનો એક માત્ર ઉપાય "જાગૃતિ" જ છે જે સમજાવવામાં આવ્યું હતું.
શ્રી કૃણાલ શાહે, ઓગસ્ટ ૨૦૨૧ થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ગુજરાત પોલીસ દ્વારા આશરે ૫૩૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ જપ્ત
કરીને યુવાધનને આ દુષણથી દૂર રાખ્યાની વાત કરીને ગુજરાત પોલીસને બિરદાવી હતી. વૈભવી જીવનશૈલી માટે કોઈ જ શૉર્ટકટ ના
અપનાવવાની સલાહ પર વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ડ્રગના દુષણમાં ભરાઈ ગયેલ વ્યક્તિને – શારીરિક – સામાજિક –
માનસિક – આર્થિક અને – કાયદાકીય સમસ્યાનો સામનો કરવો પડે છે.
શ્રી જયરાજસિંહ જાડેજા એ વિદ્યાર્થીસમૂહને વાંચન અને સારા મિત્રોની સંગતની ઉત્તમ સલાહ આપીને દરરોજ શારીરિક વ્યાયામ પર
ભાર મુક્યો હતો. સ્ટ્રેસ ઓછો કરવા માટે સારી આદતો કેળવવી જોઈએ અને સૌથી સારી આદત ડ્રગને "ના" કહેવાની છે.
ડૉ. લવીના સિન્હા એ આ કાર્યક્રમની થીમ "પીપલ ફર્સ્ટ" વિશે ચર્ચા કરીને જણાવ્યું કે જો યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો જે
યુવા આ દુષણથી પીડાય છે તે જ યુવા આ દુષણ સામે એક તાકાત બની શકે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્વાસ્થ્ય વિભાગ, શિક્ષણજગત એ
આજના યુવાનોને આ દુષણ તરફ જતા રોકે એ દરેકની નૈતિક જવાબદારી બની રહે છે.
શ્રી પ્રેમ વીર સિંઘ દ્વારા વિદ્યાર્થીમિત્રોને એમના કારકિર્દીના અનુભવો પરથી માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યું કે ડ્રગની લત એ એક
હાદસાથી શરુ થાય છે જે જીવનભર તકલીફ આપે છે. સાઈકોટ્રોપિક ડ્રગ વિશે માહિતી આપીને જણાવ્યું કે આ ડ્રગ શરીરના
ન્યુરોરિસેપટર્સને નુકશાન કરે છે જેનાથી આગળ જતા વિચારવાની ક્ષમતા મંદ થઇ જાય છે. "ખુશી શોધવાની ઈચ્છા" આજના યુવાનોને
નશા તરફ ધકેલે છે જેમાં ટોલરન્સ લેવલ વધતા વધુ ડ્રગની જરૂર ઉભી થાય છે. નશો કરનાર વ્યક્તિ બ્રેન હેમરેજ, વર્તનમાં બદલાવ,
અનિંદ્રા, આપત્તીજનક વર્તન, રક્તસ્ત્રાવ જેવી શારીરિક અને માનસિક તકલીફોનો ભોગ બને છે. આજનું યુવાધન એ નશાખોરી માટે
ટાર્ગેટ છે અને સામે એ જ યુવાધન એક સિપાહી પણ છે. સમાજમાં જનજાગૃતિ ફેલાવીને દેશનો દરેક નાગરિક આ લડાઈમાં સાથ
સહકાર આપે એ જ એક અપેક્ષા છે.
ડૉ. યાત્રી દ્વારા એમના જ એક દર્દીનું ઉદાહરણ આપીને એની માનસિક અને શારીરિક તકલીફોની ચર્ચા કરવામાં આવી જેથી એ જ
ઉમરનો શ્રોતાવર્ગ વાસ્તવિકતાથી અવગત થઇ શકે.
અમદાવાદ સિટી પોલીસના હાજર રહેલા તમામ મહાનુભાવોએ સિલ્વર ઓક યુનિવર્સિટીની યુવાધનને નશાથી દુર રાખીને શારિરીર,
માનસિક, સામાજિક અને આર્થિક રીતે મજબૂત કરવાની આ પ્રસંશનીય પહેલને બિરદાવી હતી. સમારંભના અંતે હાજર સૌ અથિતિ
અને શ્રોતાજનોએ આ નશામુક્તિ અભિયાનમાં સાથ આપવાના અને કોઈપણ પ્રકારનો નશો નહીં કરીને પોતાના મિત્રો અને
પરિવારજનોને નાશથી દૂર રાખવાના શપથ લીધા.


