જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા સેનાની સર્વશ્રી શંભુપ્રસાદ ઓઝા, છેલશંકર પાઠક, લાભશંકર દવે અને કે.બી. ઉપાધ્યાયનું કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અનસંગ હીરોસનું સાલ-સ્મૃતિચિન્હ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમના વતી તેમના પરિવારજનોએ સ્વીકાર્યું હતું.
કલેકટર કચેરી ખાતે આયોજિત આ સમારોહમાં મેયર શ્રી ગીતાબેન પરમાર અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં દેશની આઝાદીમાં યોગદાન આપનાર જૂનાગઢના લડવૈયાઓના સ્વતંત્ર સંગ્રામ વખતના સ્મરણો તાજા કરાયા હતા. જૂનાગઢના સ્વતંત્રતા સેનાની મુખે સાંભળેલ તેમના પરિવારજનોએ આઝાદી માટેના સંઘર્ષ, જેલવાસ વગેરેને વાગોળ્યા હતા.
આ પ્રસંગે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, આજની પેઢી આઝાદીના લડવૈયાઓના જીવન-સંઘર્ષ જાણે તે ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, દેશની આઝાદી માટે ઘણાં લડવૈયાઓ સ્વાર્થ વગર હોમાઈ ગયા ત્યારે, સ્વતંત્રતાની ખુલ્લી હવા માણી શકીએ છીએ. આજે સ્વતંત્રતાના પરિણામે ભારત દેશ ગરીબીમાંથી બહાર એક ઉભરતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થયો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિદેશોમાં આજે ઉમેળકાભેર સ્વાગત થઈ રહ્યું છે, દેશનું સન્માન વધ્યું છે. તેના મૂળમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓ પણ છે.
આ સ્વતંત્રતા સેનાનીઓએ દેશ માટે તન-મન-ધન બધું જ અર્પણ કરી દીધું હતું. તેમનું ઋણ તો ચૂકવી શકાય તેમ નથી. પણ સાદર વંદન સાથે તેમનામાંથી પ્રેરણા મેળવીએ. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું
આ સન્માન સ્વીકારવા માટે શંભુપ્રસાદ ઓઝા વતી શ્રી અનિલભાઈ જોશી તેવી જ રીતે છેલશંકર પાઠકના ધર્મપત્ની કાંતાબેન, લાભશંકર દવેના પુત્ર કૃષ્ણકુમાર, કે.બી. ઉપાધ્યાયના ધર્મપત્ની ચંપાબેન ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિશાલ દિહોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


