Gujarat

આગામી તા. ૧૭ ઓગસ્ટ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પત્રક ભરવાનું રહેશે

જુનાગઢ જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતો ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪  માં બાગાયત વિભાગની ‘ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ’ માં વિવિધ પ્રકારની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ આંબા/ કેરી, જામફળ અને કેળના પાક માટે સહાય મેળવી શકાશે. આંબા/ કેરીના પાક માટે ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદા સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ કલમ પ્રતિ હેકટર દીઠ કલમ માટે રૂ. ૧૦૦ નિર્ધારિત કરાયા છે. જો ખર્ચ ઓછો થયેલ હોય તો તેને ધ્યાનમાં રાખીને રૂ. ૪૦ હજાર પ્રતિ હેકટર અને પહેલા વર્ષમાં અન્ય બાગાયતી પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવ્યું હોય તો પ્લાન્ટિંગ મટિરિયલના ૫૦ ટકા લેખે અથવા રૂ.  ૧૦ હજાર પ્રતિ હેકટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે.

તેમજ, જામફળના પાક માટે ઓછામાં ઓછા ૫૫૫ કલમ રોપા પ્રતિ હેકટર દીઠ કલમ માટે રૂ. ૮૦  મળવાપાત્ર રહેશે. જો ખર્ચ ઓછો થયેલો હોય તો તેને ધ્યાનમાં રાખીને રૂ. ૪૪ હજાર પ્રતિ હેકટર અને પહેલા વર્ષમાં જો અન્ય બાગાયતી પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવ્યું હોય તો પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૬ હજાર પ્રતિ હેકટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે. તેમજ કેળના પાકમાં ટીસ્યુ રોપા દીઠ રૂ. ૫ અને થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને મહત્તમ રૂ. ૧૫ હજાર પ્રતિ હેકટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે.

ઉક્ત યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આગામી તા. ૧૭ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ અને જરૂરી સાધનિક કાગળો સહિત અત્રેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષી ભવન, તાલુકા સેવા સદનની બાજુમા, સરદાર બાગ પાંસે,જુનાગઢ ખાતે રૂબરૂ અથવા ટપાલના માધ્યમથી જમા કરાવવાની રહેશે.

આ અંગે, વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં.૦૨૮૫-૨૬૩૫૦૧૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *