જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં “નારી વંદન સપ્તાહ” ઉજવણીના આયોજન બાબતે બેઠક યોજાઈ
***
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા રાજ્યની મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારીરીક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં “નારી વંદન સપ્તાહ” ઉજવણીના આયોજન બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. ખેડા જિલ્લામાં “નારી વંદન સપ્તાહ” ઉજવણી અંતર્ગત તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ દરમિયાન યોજાનાર મહિલા સશકિતકરણના વિવિધ કાર્યક્રમોમાં વધુમાં વધુ મહિલાઓને જોડી આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટરે અપીલ કરી હતી.
“નારી વંદન સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતિકરણના કાર્યક્રમ, રમતવીરો, કલાકારો તથા શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દિકરીઓનું સન્માન, મહિલાઓમાં આરોગ્ય તથા પોષણ વિશે જાગૃતતા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, કોફી વીથ કલેક્ટરશ્રી/એસ.પી/ડીડીઓશ્રી, સ્વરોજગાર/લોન મેળો, ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન, સહકાર, કલાજગત, રાજકીય, શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ કરતી અગ્રેસર મહિલાઓનું સન્માન, કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ સેમિનાર, મહિલા કર્મયોગી સન્માન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મહિલા કલ્યાણકારી યોજના જાગૃતિ શિબિર, સ્ત્રીરોગ નિદાન કેમ્પ, કિશોરી આરોગ્ય તપાસ, પૌષ્ટિક વાનગી નિદર્શન તથા રોજ અલગ-અલગ થીમ પર નાટકનું આયોજન કરવામાં આવેલ છે. આમ, ખેડા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આ રીતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.રબારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.


