લંડન
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની અટકળને સમર્થન આપ્યું હતું અને જાહેર કર્યું હતું કે એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટ તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ હતી. આમ ૨૦૨૪ના પ્રારંભમાં ભારતના પ્રવાસે આવીને પાંચ ટેસ્ટની સિરીઝ રમનારી ઇંગ્લેન્ડની ટીમ સાથે મોઇન અલી ભારત આવશે નહીં. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવનારી છે અને ભારત સામે પાંચ ટેસ્ટની સિરીઝ રમાશે. મોઇન અલીએ પોતાની નિવૃત્તિ અંગે જણાવ્યું હતું કે હું ભારત જનારો નથી. ટેસ્ટ ક્રિકેટ એ જ શ્રેષ્ઠ ક્રિકેટ છે. હું આશા રાખું કે મારો એ સમય પરત ફરે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિને પણ સમર્થન આપ્યું હતું. મોઇન અલી ઇંગ્લેન્ડ માટે ૬૮ ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે ૩૦૯૪ રન ફટકાર્યા હતા જેમાં પાંચ સદી અને ૧૫ અડધી સદીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત એક લેગ સ્પિનર તરીકે તેણે ૨૦૪ વિકેટ પણ ઝડપી હતી.આવા પ્રભાવશાળી રેકોર્ડ છતાં મોઇન અલીએ સ્વિકારી લીધું હતું કે તેની ટેસ્ટ કારકિર્દી પૂરી થઈ ઈ છે. તેણે જણાવ્યું હતું કે મારી કારકિર્દીમાં ઉતાર ચડાવ આવ્યા છે હવે હું તેને બદલી શકીશ નહીં. ઇંગ્લેન્ડ માટે રમવાની ઓફર નકારવાનો કદાચ ભવિષ્યમાં મને અફસોસ થશે. હું ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે સારો દેખાવ કરી શક્યો નથી તેનો પણ અફસોસ રહેશે પરંતુ મારે કાંઈ ગુમાવાવનું ન હતું કેમ કે મારી રીતે રમવા માટે હું મુક્ત રહેતો હતો. તેમ તેણે ઉમેર્યું હતું. ૩૬ વર્ષીય મોઇન અલીએ સંકેત આપ્યો હતો કે તે ક્રિકેટથી દૂર થવાની કોઈ યોજના ઘરાવતો નથી કેમ કે તે લીગ ક્રિકેટમાં રમવાનું જારી રાખવાનો છે. મોઇન અલી આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે અને ત્યાં તેનું પ્રદર્શન ઉમદા રહ્યું છે. આ ઉપરાંત તે પાકિસ્તાનમાં પીએસએલ તથા ઇંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડમાં પણ નિયમિતપણે રમી રહ્યો છે. તાજેતરમાં એશિઝ સિરીઝની ઓવલ ખાતે રમાયેલી અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં મોઇન અલી અને સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિ જાહેર કરી ત્યારે ઇંગ્લેન્ડની ટીમે બંનેને સન્માનિત કરીને મેચને અંતે ટીમની આગેવાની લેવાનું કહ્યું હતું. જાેકે મોઇને આ પ્રસંગે સ્ટુઅર્ટ બ્રોડને આગળ રાખીને તેનો આદર કર્યો હતો.


