અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.હવે સાકારરૂપે પ્રગટ ભગવાન પોતાનું અત્યંત ગોપનીય રહસ્ય પ્રગટ કરતાં ગીતા(૧૫/૧૮)માં કહે છે કે
યસ્માત્ક્ષરમતીતોઙહમક્ષરાદપિ ચોત્તમઃ
અતોડસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરૂષોત્તમઃ
હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી ૫ણ ઉત્તમ છું એટલા માટે લોકમાં અને વેદમાં પુરૂષોત્તમ નામથી સિધ્ધ છું.ભગવાન કહે છે કે ક્ષર પ્રકૃતિ પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે અને હું નિત્ય નિરંતર નિર્વિકાર રૂ૫થી જેમ છું તેમ જ રહેવાવાળો છું એટલા માટે હું ક્ષરથી સર્વથા અતીત છું.શરીરથી ૫ર વ્યા૫ક શ્રેષ્ઠ પ્રકાશક સબળ શ્રેષ્ઠ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી ૫ર મન છે અને મનથી ૫ર બુધ્ધિ છે.આ રીતે એક બીજાથી પર હોવાછતાં પણ શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એક જ જાતિનાં જડ છે પરંતુ પરમાત્માતત્વ એમનાથી પણ અત્યંત પર છે કેમકે તે જડ નહી ચેતન છે.
જો કે પરમાત્માનો અંશ હોવાના કારણે જીવાત્મા પરમાત્માની સાથે તાત્વિક એકતા છે તો પણ અહી ભગવાન પોતાને જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે તેના બે કારણો છેઃપરમાત્માનો અંશ હોવાછતાં પણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે. જ્યારે પરમાત્મા ક્યારેય મોહિત થતા નથી..પરમાત્મા પ્રકૃતિને પોતાને આધિન કરીને લોકમાં આવીને અવતાર લે છે, જ્યારે જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે.પરમાત્મા સદૈવ નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માએ નિર્લિપ્ત થવાના માટે સાધન કરવું પડે છે.
અહી લોક શબ્દનો અર્થ પુરાણ સ્મૃતિ વગેરે શાસ્ત્રો.શાસ્ત્રોમાં ભગવાન પુરૂષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. શુદ્ધ જ્ઞાનનું નામ વેદ છે જે અનાદિ છે.તે જ જ્ઞાન વેદોના રૂપથી પ્રગટ થયું છે.વેદોમાં પણ ભગવાન પુરૂષોત્તમ નામથી પ્રસિદ્ધ છે.
ભૌતિક સૃષ્ટિ ક્ષર-નાશવાન છે અને પરમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર-અવિનાશી છે. ક્ષરથી અતિત અને ઉત્તમ હોવાછતાં પણ અક્ષરે ક્ષર સાથે પોતાનો સબંધ માની લીધો એનાથી મોટો બીજો કોઇ દોષ, ભૂલ કે અશુદ્ધિ નથી.ક્ષરની સાથે તે સબંધ ફક્ત માનેલો છે.વાસ્તવમાં એક ક્ષણ પણ રહેવાવાળો નથી.જેવી રીતે બાલ્યાવસ્થાથી અત્યાર સુધી શરીર બિલ્કુલ બદલાઇ ગયું હોવા છતાં આપણે કહીએ છીએ કે હું તે જ છું.
આપણને એ પણ ખબર નથી કે અમુક દિવસે બાલ્યાવસ્થા પુરી થઇ અને યુવાવસ્થા શરૂ થઇ કારણ કે નદીના પ્રવાહની જેમ શરીર નિરંતર વહેતું રહે છે.જ્યારે અક્ષર જીવાત્મા નદીમાં સ્થિત શિલાની જેમ સદા અચળ અને અસંગ રહે છે.જો અક્ષર પણ ક્ષરની જેમ નિરંતર પરીવર્તનશીલ અને નાશવાન હોત તો તેની આફત દૂર થઇ જાય છે પરંતુ અક્ષર અપરીવર્તનશીલ અને અવિનાશી હોવા છતાં પણ નિરંતર પરીવર્તનશીલ અને નાશવાન ક્ષરને પકડી લે છે,તેને પોતાનું માની લે છે.થાય છે એવું કે અક્ષર ક્ષરને છોડતો નથી ક્ષર એક ક્ષણ પણ રોકાતો નથી.આ આફતને દૂર કરવાનો સુગમ ઉપાય છે ક્ષર શરીર વગેરેને ક્ષર સંસારની સેવામાં જોડી દેવામાં આવે,તેને સંસારરૂપી બગીચાનું ખાતર બનાવી દેવામાં આવે.
મનુષ્યને શરીર વગેરે નાશવાન પદાર્થો અધિકાર કરવા કે પોતાના માનવાના માટે મળ્યા નથી પરંતુ સેવા કરવા માટે જ મળ્યા છે.આ પદાર્થો દ્વારા બીજાઓની સેવા કરવાની મનુષ્ય ઉપર જવાબદારી છે, પોતાના માનવાની બિલ્કુલ જવાબદારી નથી.
ક્ષર-અક્ષરની સ્વતંત્ર સત્તા નથી પરંતુ પરમાત્માની સ્વતંત્ર સત્તા છે.ક્ષર-અક્ષર બંન્ને પરમાત્મામાં જ રહે છે પરંતુ અક્ષર જીવ ક્ષરની સાથે સબંધ જોડીને તેને આધિન થઇ જાય છે.પરમાત્મા ક્ષરને આધિન નથી પરંતુ સ્વતઃ અસંગ રહે છે તેથી પરમાત્મા અક્ષર જીવથી પણ ઉત્તમ છે.જી જીવ જગત સાથે સબંધ ન રાખીને તેના સ્વામી પરમાત્મા સાથે સબંધ જોડે તો તે પરમાત્મા સાથે અભિન્ન બની જશે.
મુક્તિમાં અક્ષર સ્વરૂપમાં સ્થિતિ થાય છે પરંતુ ભક્તિમાં અક્ષરથી પણ ઉત્તમ પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય છે.સ્વરૂપ અંશ છે પુરૂષોત્તમ અંશી છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
