70 ફૂટ ઉંચાઇથી ડુંગરીઓ પરથી તળેટીઓમાં પડી રહેલા પાણી અદ્દભુત નજારો સર્જે છે!
એક કીમી દુર્ગમ પગદંડી માર્ગ પર ટ્રેકીંગ કરીને ધોધ નિહાળવા પહોંચી રહ્યા છે લોકો
બોડેલીથી 70 કીમી દૂર નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામનો ધોધ આ ચોમાસામાં ફરી એક વખત એક્ટીવ થયો છે.આ ધોધને જોવા અને પ્રકૃતિને માણવા દૂરથી દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે. આ ધોધ ૭૦ ફૂટ જેટલી ઊંચી ડુંગરીઓ પરથી પડી વહી રહ્યો છે.સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના નાના ઝરણાઓ પણ ફૂટી નીકળ્યા છે તે સાથે જ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં ભારે વરસાદ બાદ એક્ટીવ થયેલ ધોધ જોવા માટે દૂર થી પ્રવાસીઓ આવી રહ્યા છે. આ ધોધ જોવાનો આનંદ જ કઈક અલગ છે. પહાડોની વચ્ચે આવેલો આ અતિરમણિય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે.પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલેલી વનરાજી વચ્ચે કુદરતી ઝરણાં સ્વરૂપે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે. આ ઝરણામાંથી પહાડ પર થી અંદાજે 70 ફૂટ ના ઉંચાઈ પરથી આ ધોધના પાણી નીચે પથ્થરોની તળેટીઓ પર પડી રહ્યા છે.
નર્મદા કાંઠે આવેલ આ ધારસિમેલ ધોધ ના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે તે પ્રિય બની રહ્યો છે. આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતા જતા ન હતા પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ વિસ્તાર પણ જોવા લાયક પ્રાકૃતિક ખજાનો બની ગયો છે.
આ ધોધ સુધી આવવા જવા માટે કાચો રસ્તો છે.ધોધ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને 1 કીમી જેટલું અંતર ચાલતા દુર્ગમ રસ્તો ખેડવો પડે છે.સહેલાણીઓ વેદના વેઠીને પણ ઉત્સાહથી ટ્રેકીંગ કરી રહ્યા છે. પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે.જેથી સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને આ ધોધ સ્થળને ડેવલપ કરવામાં આવે તો અત્રે સુગમતા વધતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે અને ડેવલપ કરવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.
બોક્સ
ધાર સિમેલના ધોધ પાસે મહાલવા આવેલા સહેલાણીઓ શું કહે છે?
1
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્થળ છે. અહીં આવતા કેટલાક વિસ્તારમાં ટ્રેકિંગ કરવું પડ્યું. પહાડોની વચ્ચેથી ઊંચાઈથી પડતા ધોધની મજા માણી રહ્યા છે. ખરેખર આ ખૂબ જ સુંદર સ્થળ છે. પગપાળા જે પગદંડી પરથી અમે આવ્યા છે ત્યાં સરકાર થોડીક વ્યવસ્થા કરે તો આ સ્થળ મોટું પર્યટક સ્થળ પણ બની શકે. અમારા જેવા પ્રકૃતિ ને માણવા, મહાલવા ઇચ્છુક સહેલાણીઓ માટે સારી વ્યવસ્થા પણ બની જશે.
સોનલ બેન પ્રવાસી રહે.વડોદરા
2
ધારસીમેલનો આ ધોધ ખૂબ જ રમણીય છે. થોડા સુધારાની જરૂર છે. વિસ્તાર ગ્રીનરીથી ભરપૂર છે. અમને થોડી સ્થળ ઉપર પહોંચતા રસ્તો ચડ ઉતરવામાં તકલીફ પડી છે. પણ અહીં આવીને અત્રેની સુંદરતા જોઈને બધું દર્દ અમે ભૂલી ગયા છે. લોકો દૂર દૂર સુધી અન્ય સ્થળો પર ફરવા જાય છે તેની બદલે નસવાડી તાલુકાના ધારસીમેલ ધોધને જો નિહાળવા આવે તો તે નજીક પણ છે અને ખર્ચાળ પણ નથી.
રાહુલ ભાઈ પ્રવાસી
3
પ્રકૃતિના ખોળે આવેલી આ ખૂબ જ રમણીય જગ્યા છે. અમે નસવાડી સુધી આવ્યા ત્યાર પછી ગુગલ મેપ પર સર્ચ કરતા અત્રે પહોંચી શક્યા છે. થોડુંક ચાલવું પડ્યું છે. પરંતુ જગ્યા ખૂબ જ સુંદર છે.
મુકેશ ભાઈ પ્રવાસી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


