યુવાન વ્યસન મુક્ત બને, મહિલાઓને સન્માનની નજરે જોવાય તેવો સંદેશ યાત્રા દરમ્યાન વહેતો કર્યો
કહેવાય છે કે દ્રઢ સંકલ્પ વ્યક્તિને ગમે તે કાર્ય સિધ્ધ કરાવે છે. ઉત્તર પ્રદેશ મથુરાનો એક યુવાન સાઈકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નિકળ્યો છે. ચારધામની યાત્રાથી 80 દિવસમાં સાડા ચાર હજાર કિ.મી સાઈકલ ચલાવી આ યુવાન હાલ છોટાઉદેપુર પહોચ્યો છે. જેનો ઉદ્દેશ્ય એટલો જ કે ભારતની વિવિધતાભરી સંસ્કૃતિને જાણવું અને આજના યુવાનો વ્યસન મુક્ત બને અને સ્ત્રીઓને સમાજમાં સન્માન મળે.
મથુરાના 26 વર્ષીય શિવમ વર્માએ સાઈકલ દ્વારા ભારત ભ્રમણ, ચારધામની યાત્રા આરંભવા સાથે અનોખો સંદેશ વહેતો કર્યો છે. આજનો યુવાધન જે આવતી કાલનું રાષ્ટ્રનુ ભવિષ્ય છે. તે વ્યસન મુક્ત બનીને દેશની ઉન્નતિમાં સહભાગી બને તે જરૂરી છે. હાલમાં સમાજમાં મહિલાઓની સુરક્ષા મળે તેઓ માટે સન્માનની દ્રષ્ટી મળે તથા છેડતી સહિતના બનાવ અટકે તેવો સંદેશ યાત્રા દરમ્યાન આ યુવાન આપી રહ્યો છે.
શિવમ વર્માએ જણાવ્યુ હતું કે તે નાનપણથી જ શહીદ ભગતસિંહને પ્રેરણાસ્તોત્ર માને છે. તેમણે પોતાના હાથ પર ભગતસિંહનું ટેટુ પણ ચિત્રરાવ્યુ છે. સાઈકલમાં જીવન જરૂરિયાતની અમુક ચીજવસ્તુ – મોબાઈલ ચાર્જ માટે સોલાર પેનલ લગાવી 80 દિવસમાં વૃંદાવન મથુરાથી છોટાઉદેપુર સાડા ચાર હજાર કિલોમીટર યાત્રા કરી છે. હવે આ યુવાન મધ્યપ્રદેશ થઈ મહારાષ્ટ્ર જવા પ્રયાણ કર્યુ છે. આ યુવાન સોશિયલ મિડીયાના માધ્યમથી એસવી રાઇડર્સ વર્લ્ડ ચેનલ દ્વારા પણ યુવાનોને વ્યસન મુક્ત થઈ રાષ્ટ્રહિત કાર્ય કરે તેવો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ યુવાન છોટાઉદેપુર ખાતે આવી પોહચતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તેઓએ નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાથે મુલાકાત લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


