નોર્થમ્પ્ટન
ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શૉએ તાજેતરમાં લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકાર્યા બાદ જણાવ્યું હતું કે, હાલમાં હું ભારતીય ટીમમાં મારા ભવિષ્ય અંગે વિચાર કરી રહ્યો નથી. પૃથ્વી શૉએ બુધવારે ઈંગ્લેન્ડમાં વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા ૧૫૩ બોલમાં ૨૪૪ રન ફટકાર્યા હતા. નોર્થમ્પ્ટનશાયરનો સોમરસેટ સામે ૮૭ રને વિજય થયો હતો. શૉ છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમની બહાર છે. છેલ્લે જુલાઈ ૨૦૨૧માં તે શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમમાંથી રમ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં એશિયન ગેમ્સ અને આયર્લેન્ડ માટે પસંદ કરાયેલી બીજા હરોળની ભારતીય ટીમમાં પણ તેનો સમાવેશ કરાયો નથી. હું હાલમાં કાઉન્ટી ક્રિકેટ પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું તેમ પૃથ્વીએ જણાવ્યું હતું.


