નવીદિલ્હી
ન્યૂઝીલેન્ડની ટીમ ૧૦ વર્ષમાં સૌપ્રથમ વખત બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. સપ્ટેમ્બર અને નવેમ્બર એમ બે તબક્કામાં કિવી ટીમ બાંગ્લાદેશમાં અનુક્રમે ત્રણ વન-ડે તેમજ બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. બાંગ્લાદેશ સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બંને ટીમને વર્લ્ડ કપ પૂર્વે તૈયારી માટે મદદરૂપ બનશે. ૫ ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ગત વર્ષની રનર અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં મુકાબલાથી તેનો વર્લ્ડ કપ અભિયાનનો આગાઝ કરશે. જ્યારે બાંગ્લાદેશ ૭ ઓક્ટોબરના રોજ ધરમશાલા ખાતે અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગુરુવારે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ કિવી ટીમના ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થનાર બાંગ્લાદેશ પ્રવાસમાં ત્રણ વન-ડે મેચ શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મિરપુરમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ ઓક્ટોબરમાં હોવાથી નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બે ટેસ્ટ મેચ રમશે. આ માટેના સ્થળની હવે પછી જાહેરાત કરવામાં આવશે. આ ટેસ્ટ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલનો હિસ્સો રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લે ૨૦૧૩માં બાંગ્લાદેશના પ્રવાસે આવી હતી. બંને દેશો વચ્ચે બે ટેસ્ટની શ્રેણી ડ્રો રહી હતી.


