જૂનાગઢ મહાનગરપાલિકામાં મારી માટી, મારો દેશ અભિયાન હેઠળ એકત્ર થયેલ માટીને આજે નરસિંહ મહેતા તળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય કળશમાં પધરાવવામાં આવી હતી. વોર્ડવાર એકત્ર થયેલા માટીને વાજતે-ગાજતે મહાનગરપાલિકાની કચેરી ખાતેથી નરસિંહ મહેતા તળાવ ખાતે લાવવામાં આવી હતી. આ રેલીને મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવો લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં મહાનગરપાલિકાના પદાધિકારી, અધિકારી અને કર્મચારી, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
આ પ્રસંગે વીરોને વંદન કાર્યક્રમ હેઠળ જૂનાગઢની આઝાદીમાં બહુમુલ્ય ફાળો જેમનો રહ્યો છે. તેવા આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભારતીય સેનામાં અને ગુજરાત પોલીસ સેવામાં દેશ માટે ન્યોછાવર થયેલ શહીદોના પરિવારજનોને શાલ ઓઢાડી અને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભારતીય સેના તથા પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર ૧૨૬ જવાનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
દેશને આઝાદી અપાવી વીરોના બલિદાન અને યોગદાનને યાદ કરી શ્રધ્ધાંજલિ આપતા શીલાફલકમ તકતીનું અનાવરણ નરસિંહ મહેતા તળાવ ખાતે કરવામાં આવ્યું છે.
મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમારે જણાવ્યું કે, આપણી મહામુલી આઝાદીનું રક્ષણ કરવાનું તથા તેનું કાયમને માટે ગૌરવ જાળવવું જોઈએ. તેમજ આપણા દેશ માટે બલિદાન આપનાર શહીદોના પરિવારજનોને નમન કર્યા હતા.
ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની પહેલને આગળ ધપાવવા અને શહેરને સ્વચ્છ બને તે માટે શહેરીજનો પણ પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતા.
સ્થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણાએ જણાવ્યું કે, આપણા શહેરમાં મારી માટી, મારો દેશ અંતર્ગત જૂનાગઢ શહેરમાં ૯ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી તમામ વોર્ડ વાઈઝ અલગ અલગ વિષયોના અનુસંધાને કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. નવા ભારતના નિર્માણ માટે દેશ માટે કઈ કરી છૂટવાની ભાવના પ્રબળ બને તે માટે પ્રધાનમંત્રી શ્રી મોદીના સ્વચ્છ ભારત મિશન, આત્મનિર્ભર ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ, લોકલ ફોર વોકલ જેવા કેમ્પેઈનને આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત મહાનગરપાલિકાના કમિશનર શ્રી રાજેશ એમ. તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી દ્વારા પોતાની આગવી શૈલીમાં દેશની આઝાદી અને આઝાદીના સંગ્રામમાં સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને તથા ઝવેરચંદ મેઘાણીનું સુપ્રસિદ્ધ દેશભક્તિનું કાવ્ય “કસુંબીનો રંગ” રજૂ કરીને શહેરીજનોને દેશદાઝથી તરબતર કર્યા હતા.
મારી માટી, મારો દેશ માટીને નમન-વીરોને વંદન કાર્યક્રમ હેઠળ ઉપસ્થિત મહેમાનો દ્વારા કોળીયામાં માટી લઇ પંચપ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ માટી મુખ્ય અમૃતકળશમાં એકત્ર કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૯ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટ સુધી શાળા, કોલેજ, આંગણવાડી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શહેરના વોર્ડ નં.૧ થી ૧૫માં તારીખ ૯ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી યોજાયેલ પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ હેઠળ આ માટીને વોર્ડ વાઈઝ અમૃત કળશમાં એકત્રિત થઈ હતી. જેને આજે એક મુખ્ય કળશમાં પધરાવવામાં આવી હતી. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવાર અને તમામ શહેરીજનોએ ધ્વજ વંદન તથા રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાસક પક્ષનાનેતા શ્રી કિરીટભાઈ ભીંભા, સ્વચ્છતાના બ્રાંડ એમ્બેસેડર શ્રી અમુદાનભાઈ ગઢવી, ડી.વાય.એસ.પી. શ્રી અનીલ પટ્ટણી કોર્પોરેટર સર્વ શ્રી પલ્લવીબેન ઠાકર, શારદાબેન પુરોહિત, ભાવનાબેન હીરપરા, ડો.સીમાબેન પીપલીયા, વાલભાઈ આમછેડા, ગોપાલભાઈ રાખોલિયા, રાકેશભાઈ ધુલેશિયા, ધર્મેશભાઈ પોંશિયા અન્ય કોર્પોરેટરશ્રીઓ, નગર શ્રેષ્ઠીઓ, વિધાર્થીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આભારવિધિ કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહળ દ્વારા કરવામાં આવ્યું હતું.


