સરકારશ્રી દ્વારા પ્રેરિત “મેરી માટી મેરા દેશ” અંતર્ગત વંથલી તાલુકા પંચાયત કક્ષાનો કાર્યક્રમ વંથલીમાં તાલુકા કક્ષાનો મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતા શિલાફલકમનું સમર્પણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વીરો કો વંદન, વસુધા વંદન – વૃક્ષારોપણ, રાષ્ટ્રધ્વજ વંદન – રાષ્ટ્રગાનનું સંગાયન ઉપરાંત શિક્ષકો, તલાટી-કમ-મંત્રીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે વંથલી તાલુકાના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના પરિવારજનો, સેના-પોલિસ સહિતના નિવૃત્ત જવાનો હાજર રહ્યાં હતાં. જેમના સન્માનના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, APMC- વંથલીના ચેરમેન શ્રી ભાવેશભાઈ મેનપરા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના પ્રતિનિધિ મનોજભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડાના પ્રતિનિધિશ્રી વિપુલભાઈ જીલડિયા, જિલ્લા પંચાયત – જૂનાગઢ અને તાલુકા પંચાયત – વંથલીના સદસ્યશ્રીઓ; સહકારી, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે “આઝાદીના અમૃત મહોત્સવ”ને નાતજાત અને ધાર્મિક ભેદભાવ વગર બંધુતાનો ભાવ કેળવી આગળ વધવા, આર્થિક અસમાનતા ઘટાડવા, છેવાડાના માનવીની પ્રગતિ માટે સહકાર આપવા તથા ભારતના ભાવિ એવા બાળકો, કિશોરીઓ અને મહિલાઓ સહિતનાઓ સુપોષિત થઈને દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપવા માટે હાકલ કરી હતી.
શ્રી મનોજભાઈ ઠુમરે આપણી સંસ્કૃતિના જતન અને તેના વૈજ્ઞાનિક પાસાનો લાભ લેવા આહવાન કર્યું હતું અને દેશ અને પ્રકૃતિના જતન અંગે અપીલ કરી હતી. તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેષ વાઘેલાએ કાર્યક્રમના હાર્દ અને મેરી માટી, મેરા દેશ અભિયાનની ઊજવણીની રૂપરેખા આપી હતી.
