એશિયા કપમાં શુક્રવારે બાંગ્લાદેશે ભારત સામેની ઔપચારિક વન-ડે ક્રિકેટ મેચમાં ૬ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલે (૧૨૧) એક છેડો સાચવી રાખતાં વન-ડે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. રન ચેઝ કરતા ગિલની આ પ્રથમ સદી સાથે સર્વોચ્ચ સ્કોર પણ રહ્યો હતો. અક્ષર પટેલે ૪૨ રનની ઈનિંગ્સ રમીને ભારતને મેચમાં પરત લાવવા પ્રયાસ કર્યો હતો. ભારતને જીત માટે છ ઓવરમાં ૫૬ રનની જરૂર હતી પરંતુ મુસ્તફિઝુર રહેમાને ૪૯મી ઓવરમાં અક્ષર અને શાર્દુલ (૧૧)ને આઉટ કરીને બાજી પલટી નાંખી હતી. બાંગ્લાદેશને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતા ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૬૫ રન કર્યા હતા. જવાબમાં ભારતના ટોચના બેટ્સમેનોએ વધુ એક વખત નિરાશ કર્યા હતા અને ૧૦૦ રનની અંદર ચાર વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૫૯ રનમાં સમેટાઈ જતા બાંગ્લાદેશે છ રને જીત મેળવી હતી.ભારતે રવિવારે શ્રીલંકા સામેની ફાઈનલ અગાઉ વિરાટ, હાર્દિક, બુમરાહ, સિરાઝ અને કુલદીપને આરામ આપ્યો હતો. તિલક વર્માને વન-ડેમાં ડેબ્યૂ કેપ સોંપવામાં આવી હતી પરંતુ તેણે બેટિંગમાં નિરાશ કર્યા હતા અને ફક્ત પાંચ રન કરીને આઉટ થયો હતો. અગાઉ કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. કે એલ રાહુલ (૧૯) અને ઈશાન કિશન (૫) પણ મોટી ઈનિંગ્સ રમી શક્યા નહતા જેન પગલે ભારતનો સ્કોર એક તબક્કે ૨૩.૩ ઓવરમાં ચાર વિકેટ પર ૯૪ રન હતો. સૂર્યકુમારે (૨૬) ગિલનો સાથ આપ્યો હતો અને પાંચમી વિકેટ માટે ૪૫ જાેડ્યા હતા. સૂર્યકુમારે વન-ડેમાં તેને મળેલી વધુ એક તક વેડફી હતી અને તે શાકિબની ૩૩મી ઓવરમાં બોલ્ડ થયો હતો. જાડેજા ૮ રને આઉટ થયો હતો જ્યારે અક્ષર ૪૨ રન કરીને અને શાર્દુલ ૧૧ રને આઉટ થયા હતા. બાંગ્લાદેશના મુશ્તફિઝુરે સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી જ્યારે તન્ઝિમ અને મહેદીએ બે-બે વિકેટ મેળવી હતી. શાકિબ અને મિરાઝે એક-એક વિકેટ લીધી હતી. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી.બાંગ્લાદેશન ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૫ રનનો સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. કેપ્ટન શાકિબ અલ હસને ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે તેની ૫૫મી અડધી સદી ફટકારી હતી, જ્યારે તોહીદ હ્રિદય તેની વન-ડે કારકિર્દીની પાંચમી અડધી સદી ફટકારી હતી. તોહીદ ૫૪ રન બનાવીને આઉટ થયો હતો. લોઅર ઓર્ડરમાંથી નસુમ અહેમદે ૪૪ રન, મહેદી હસને ૨૯ રન જ્યારે તન્ઝિમ હસને ૧૪ રન કર્યા હતા. ભારતીય ટીમ તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણવિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીને બેવિકેટ જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના, રવીન્દ્ર જાડેજા અને અક્ષરનેએક-એકવિકેટ મળી હતી. બાંગ્લાદેશની શરૂઆત કંગાળ રહી હતી અને ૫૯ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન શાકિબ અલ હસને પાંચમી વિકેટ માટે તોહીદ હ્રિદય સાથે ૧૦૧ રનની ભાગીદારી કરી હતી. બંનેએ ૧૧૫ બોલમાં ૧૦૧ રન જાેડ્યા હતા. આ સદીની ભાગીદારીને શાર્દુલ ઠાકુરે શાકિબને આઉટ કરીને તોડી હતી. નસુમ અહેમદે ઝડપી ૪૪ રન કર્યા હતા જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાન સમાવેશ થયો હતો.નસુમની ઈનિંગ્સને પગલે બાંગ્લાદેશ ૨૫૦નો આંકડો પાર કરી શક્યું હતું. ભારત તરફથી સૂર્યકુમાર, વન-ડેમાં ડેબ્યૂ કરનાર તિલક અને કે એલ રાહુલે કેચ છોડ્યા હતા.

