દીવ સંઘપ્રદેશ તરફ થી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને ઉના પોલીસ સ્ટેશન હદમાં આવેલ માાંડવી ચેક પોસ્ટ ખાતે વાહનો રોકી ચેક કરી કોઈને કોઈ બહાને ફરજ પરની પોલીસ દ્વારા નાણા પડાવતા હોવાની બાતમી આધારે તા. 30 ડિસે. 2023 ના રોજ ગીર સોમનાથ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા લાંચના રનીંગ ડીકોય છટકુ ગોઠવ્યું હતું. જેમાં એ.સી.બી. એ
ડીકોય કરતા તેને જોઈ માંડવી પોલીસ ચેક પોસ્ટ ખાતે ફરજ પરના હાજર પોલીસ કર્મચારીઓ નાશી છૂટ્યા હતા. જેથી એ.સી.બી. ની ટીમે પીછો કરી એક શખ્સને પકડી લીધો હતો. જે પકડાઈ ગયેલ અધિકારીનો વચેટિયો નિલેશ અભેસિંગ તડવી હાલ રહે. ઉના મૂળ રહે. મોટી છીપવાડ તા. સંખેડા, જી. છોટા ઉદેપુર વાળાની પુછપરછ કરી હતી. તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનની કોલ રેકોર્ડની ઓડિયો ફાઈલ ચેક કરતા ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે.ગોસ્વામીએ નિલેશ તડવી અને માંડવી પોલીસ ચેક પોસ્ટ પરના પોલીસ કર્મચારી સાથે કરેલ વાતચીતના સંવાદો મળી આવેલ.
આ સંવાદોથી ચેકપોસ્ટ ઉપર ભ્રષ્ટાચાર થતો હોવાનું માલુમ થતો પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોબાઇલ ફોનના કોલ લોગ અને ડેટાની એફ.એસ.એલ. દ્વારા વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક ચકાસણી કરાવતા ભ્રષ્ટાચારને લગતા મળેલ પ્રાથમિક પુરાવા આધારે કાયદેસરની જાણવાજોગ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.
આ જાણવા જોગની તપાસ કરનાર અધિકારી બી.એલ.દેસાઈ, મદદનીશ નિયામક, જુનાગઢ એ.સી.બી એકમ દ્વારા તપાસ દરમ્યાન વધુ પુરાવાઓ આધારે પી આઇ સહીત ત્રણ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં નિલેશ અભેસિંગ તડવી, ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ નિલેશ કે ગોસ્વામી, એ.એસ.આઈ નિલેશ છગન વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ સને.1988 (સુધારો-2018)ની કલમ 7 A, 12,13(1),13(2) તથા ઈ.પી.કો કલમ 120 (બી), 34 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
અને સાંજના સમયે એ સી બી ટીમે પકડી પાડેલ આરોપી નિલેશ અભેસિંગ તડવીને ઉના નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રીમાન્ડ માંગતા નામદાર કોર્ટે નિલેશ તડવીને તા- 11/01/2024 સાત દિવસ સુધી રિમાન્ડ મંજુર કર્યાં હતાં. એ સી બી એ આગળની વધુ પૂછપરછ હાથ ધરેલ છે..

