તા.૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ
મચ્છર જન્ય રોગોથી બચવા જરુરી પગલાઓ ભરીએ
અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) જિલ્લામાં આગામી તા.૨૫ એપ્રિલ,૨૦૨૪ના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થશે. વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષે થીમ “વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઇને વધુ વેગ આપીએ” છે. મેલેરિયા નાબુદી માટે લોકોમાં જન જાગૃત્તિ આવે તે આવશ્યક છે. મેલેરિયા એ માદા એનોફલીસ મચ્છરથી ફેલાતો રોગ છે. મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોનો સહકાર મળે તો ઝડપથી મેલેરિયા મુકતિના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે. મચ્છર એ ચોખ્ખા પાણીમાં ઇંડા મૂકે છે. ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની, કુલર, સિમેન્ટના ટાંકાઓ, પાણીની કોઠીઓ, ટીપણાંઓ વગેરેનું પાણી દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ-સફાઈ કરી તડકે સુકવી દેવું. નિયમિત રીતે નવેસરથી પાણી ભરવું. પાણીના તમામ સ્ત્રોતોને હવાચુસ્ત ઢાંકણાથી બંધ રાખવા. પાણીથી કાયમી ભરાઇ રહેતા હોય તેવા સ્થળોએ પોરાનાશક માછલી (ગપ્પી) મૂકવી. વણઉપયોગી હોય અને પડી રહેતા હોય તેવા તૂટેલા માટલાઓ, ખાલી શીશીઓ, ડબલા, જુના ટાયરો, નાળિયેરીની કાચલીઓનો નાશ કરવો આવશ્યક છે, કારણ કે તેમાં પાણી ભરાવાથી તેમાં મચ્છર ઉત્પતિ થાય છે. મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી. મચ્છર અગરબત્તી કે રિપેલેન્ટનો ઉ૫યોગ કરવો, વહેલી સવારના સમયે અને સંધ્યાકાળે બારી-બારણાં બંધ રાખવા. કડવા લીમડાનો ધુમાડો કરવો. શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા. આમ, મચ્છર જન્ય રોગોથી બચવા જરુરી પગલાઓ ભરવા અમરેલી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
ધર્મેશ ૦૦૦
