જામનગરમાં સીટી સી પોલીસે રાત્રે કારને અટકાવી ઇંગ્લીશ દારૂની નાની મોટી 128 બોટલના જથ્થા સાથે બે શખસોને પકડી પાડી દારૂ ઉપરાંત કાર અને મોબાઇલ સહિત રૂા. 3.35 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.દારૂ પ્રકરણમાં પોલીસે પકડાયેલા બંને શખસોની પુછપરછ સાથે સઘન તપાસ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં સીટી સી ડીવીઝનના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને સમર્પણ સર્કલ નજીક વિશાલ હોટલ સામે રાજીવનગર માર્ગ પર દારૂની હેરાફેરી મામલે બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન પોલીસે એક કારને અટકાવી તેની તલાશી લીઘી હતી જે તલાશી વેળા પોલીસને અંદર ઇંગ્લીશ દારૂની 32 બોટલ અને 96 ચપલા મળી આવ્યા હતા.
આથી પોલીસે દિપક મનસુખભાઇ ગોહિલ તથા આશિષ રાજુભાઇ વારસાકીયા નામના બે શખસોને પકડી પાડી દારૂની નાની મોટી 128 બોટલ ઉપરાંત કાર અને મોબાઇલ સહિત રૂા.3.35 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા બંને શખસોની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

