વડગામ પંથકમાં મંગળવારે મોડી રાત્રે દોઢ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જલોતરા હાઇવે ઉપર વરસાદના કારણે માટીનું ધોવાણ થતાં ઓટો કન્સલ્ટન્ટ આગળ ઉભેલા ત્રણ વાહનો જમીનમાં દટાયા હતા. બનાવના પગલે ઓટો કન્સલટન્ટ દ્વારા પાલનપુરથી હાઇડ્રો બોલાવી ત્રણેય દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા.
વડગામ તાલુકામાં મંગળવારે મોડી રાત્રે પોણા ત્રણ ઇંચ વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા. તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જલોતરા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે માટીનું ધોવાણ થયું હતું.
જલોતરા હાઇવે ઉપર આવેલ એક ઓટો કન્સલ્ટન્ટમાં ત્રણ વાહનો પડ્યા હતા. ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થતાં ઓટો કન્સલ્ટની ઓફિસ પાસે પડેલા વાહનો માટીમાં અડધા દટાઈ ગયા હતા. જ્યાં દટાયેલા વાહનો ટ્રેક્ટરથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગળના ભાગમાં માટી ધસી જવાના કારણે વાહનો બહાર ન નીકળતા ઓટો કન્સલ્ટન્ટે પાલનપુરથી હાઈડ્રો બોલાવી ત્રણેય વાહનોને માટીમાંથી બહાર કાઢ્યા હતા.

