જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદનો સિલસિલો યથાવત રહયો હતો. જેમાં ખાસ કરી દ્વારકામાં રાત્રે શરૂ થયેલા હળવા વરસાદે બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયા બાદ સાંજે ચાર વાગ્યે સાંબેલાધાર વરસેલા વરસાદે બે કલાકમાં જ નવ ઇંચથી વધુ પાણી ઠાલવી દેતા 14 ઇંચ જેટલા વરસાદથી યાત્રાધામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

કલ્યાણપુરમાં પરોઢીયે ધોધમાર વરસાદ બાદ રાત્રી સુધીમાં સાડા તેર ઇંચ વરસાદ પડયો હતો.જયારે ખંભાળિયામાં સાડા છ ઇંચ તો જામજોધપુરમાં પણ વધુ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો.ઘીંગા વરસાદથી હાલારના તમામ જળાશયોમાં નવા નીર આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે રાત્રીથી શુક્રવાર સાંજ સુધીમાં બેથી તેર ઇંચ જેટલો ધીંગો વરસાદ ખાબકયો હતો. જેમાં દ્વારકામાં શુક્રવારે બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યા બાદ ચાર વાગ્યે સાંબેલાધાર વરસાદ શરૂ થયો હતો.
ભારે ગાજવિજ સાથે મંડાયેલા મેઘરાજાએ તોફાની સ્વરૂપ વચ્ચે બે કલાકમાં જ નવ ઇંચથી વધુ સાથે મોડી સાંજ સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસાવી દિઘો હતો. કલ્યાણપુર પંથકમાં સાડા તેર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતો. સાંબેલાધાર વરસેલા અતિભારે વરસાદના કારણે સ્થળ ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા હતા. જયારે નદી નાળાઓના પાણી પણ આડે કાંઠે ધસધસતા જોવા મળ્યા હતો.

