Gujarat

3 દિવસ રજાને કારણે સિવિલ -સ્મીમેરમાં 3 ગણા દર્દીઓ નોંધાયા, બહારથી 26 ડોક્ટરો બોલાવાયા

કોલકાતાની ઘટનાના વિરોધમાં સિવિલ-સ્મીમેરના રેસિડેન્ટ તબીબો 5 દિવસથી હડતાળ પર છે. મંગળવારે તબીબોએ સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી, જેમાં 2 હજાર તબીબો જોડાયા હતા. કલેકટર કચેરી ખાતે તબીબોએ વિરોધ વ્યકત કરી આવેદનપત્ર પણ આપ્યું હતું.

દરમિયાન શનિ-રવિની રજા અને સોમવારે બળેવની જાહેર રજા હોવાથી બંને હોસ્પિટલોમાં મંગ‌ળવારે દર્દીઓ 3 ગણા નોંધાયા હોવાની માહિતી મળી છે. તબીબો હડતાળ પર હોવાથી ઓપીડીમાં સ્ટાફની અછતને પગલે દર્દીઓની લાઈનો લાગી હતી. સિવિલના ચામડી વિભાગમાં માત્ર એક જ તબીબ હોવાથી નવા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સિવિલ-સ્મીમેરના તમામ વિભાગમાં હાલ ટ્યુટર અને પ્રોફેસર સહિતના ટીચિંગ સ્ટાફને સારવારની જવાબદારી સોંપાઈ રહી છે. રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીના કારણે તબીબોની ઘટ પડતાં નવસારી ખાતેથી 8 મેડિકલ ઓફિસરોને સુરત નવી સિવિલ ખાતે ફરજ પર મુકાયા છે.

તેવી જ રીતે સિવિલની મેડિકલ કોલેજમાં નોન ક્લિનિકલ ફરજ બજાવતા 18 તબીબોને પણ દર્દીઓની સારવારની ફરજ સોંપાઇ છે.