Gujarat

RMCનાં ગાર્ડન શાખાએ બોરોબાર વહિવટ કર્યાનો આક્ષેપ; વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચારીઓને કહ્યું- જરા તો શરમ કરો, તમારે પણ એકદિવસ મરવાનું છે

રાજકોટ મહાપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે.

આમ કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા બાપુનગર સ્મશાને દોડી ગયા હતા. તેમજ ભ્રષ્ટાચારીઓને કહ્યું હતું કે, જરાક તો શરમ કરો, તમારે પણ એકદિવસ મરવાનું છે.

પ્રાપ્ત વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોનાં લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા. અને 35 જેટલી ગાડીઓ જુદા-જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી. જોકે, આ પૈકીની કોઈપણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનનાં સંચાલકે જણાવ્યું હતું.

ત્યારે લાકડાનો જથ્થો બરોબર કોણ ચાઉં કરી ગયું? અને લાકડાની આ ગાડીઓ ક્યા ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષ નેતાએ ઉઠાવ્યા હતા. તેમજ આ ભ્રષ્ટાચારીઓએ સ્મશાનને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો હતો.