છોટાઉદેપુર જિલ્લાના સમલવાંટ ખાતેના કોતરમાં મંગળવારે બપોરે પુર આવતા ગ્રામજનો જીવના જોખમે કોતર પસાર કરવા મજબૂર બન્યા હતા. સાથેસાથે શાળાએથી ઘરે જતી બાળકીઓ પણ ઘરે જવા જીવનું જોખમ ખેડતી હોવાનો વિડીઓ વાયરલ થયો છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદ સામાન્ય વરસી રહ્યો છે.
પરંતુ ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાના નદી નાળાઓમાં પુર આવ્યા છે. ત્યારે કવાંટ તાલુકાના સમલવાંટ ખાતે આવેલા કોતરમાં બપોરે ભારે પુર આવ્યા છે. જેને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કેટલાક ગ્રામજનો કોતરમાં પાણી ઉતરે તેની રાહ જોતા સામે કિનારે બેસિ રહ્યા છે.
ત્યારે કેટલાક લોકો એકબીજાની હાથ પકડીને જીવના જોખમે કોતર પસાર કરી રહ્યા છે. તો કેટલાક મોટર સાયકલ ચાલકો પણ જીવના જોખમે કોતરમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. અને એક બોલેરો પિક અપ ચાલક પણ પેસેન્જર ભરીને કોતરમાં ધસમસતા પુરમાંથી પસાર થઈ રહી હોવાનો વિડીઓ વાઇરલ થયો છે.
બપોરે કોતર પુર આવતા એકલવ્ય મોડેલ સ્કૂલમાં તેમજ કવાંટ ઈંગ્લીશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓ શાળા છૂટ્યા બાદ ઘરે જવા માટે જીવનું જોખમ ખેડીને કોતરમાં ધસમસતા પાણીમાંથી પસાર થઈ હતી. ઘણા વર્ષોથી સમલવાંટના લોકો જીવના જોખમે કોતર પસાર કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

