મા આધ્યશક્તિની આરાધાનાના પર્વ નવરાત્રી નિમિત્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જામતી ગરબાની રમઝટ
ભરૂચ મા બેસ્ટ ઓફ ધ બેસ્ટ ગરબા એટલે ભરૂચ પોલીસનું ફ્રી ગરબા આયોજન, ચોમાસાના અંતિમ ચરણમાં આવતું નવરાત્રીનું પર્વ એટલે મા આધ્યશક્તિની આરાધાનાનું પર્વ , નવરાત્રીની નવ રાતો દરમિયાન ગરબા રસીકો ગરબાના તાલે ઝુમીને એક પ્રાચિન પરંપરાને જાળવી રાખવાની નેમ સાથે ગરબાના તાલે ભક્તિભાવથી નવરાત્રીની ઉજવણી કરે છે.

પ્રજાનો રક્ષક ગણાતો પોલીસ વર્ગ ચોવીસ કલાક લોકોની સલામતી અને રક્ષણ માટે તપ્તર રહે છે,ત્યારે લોકોને સુરક્ષા આપવાની કામગીરી અને ફરજ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક ફરજ બજાવવા તૈયાર રહેતી પોલીસ જહેમત ઉઠાવી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરે અને ગરબાના માધ્યમથી લોકો સાથે ગરબે ઘુમવાનો લહાવો લે ત્યારે સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાની લાગણી દ્રઢ બને છે.

ત્યારે ભરૂચ પોલીસ દ્વારા હાલ સતત ત્રીજા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાતા ભરૂચ ખાતે ગરબાની રમઝટ જામે છે. મા આધ્યશક્તિની આરાધનાનું પર્વ મનાતા નવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસ દ્વારા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર સહિત ભરૂચના નગરજનો માટે ગરબાનું સુંદર તેમજ સેફ એન્ડ સિક્યોર આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસની આ પહેલથી પ્રજાની રક્ષા માટે ખડેપગે રહેતા પોલીસ કર્મીઓ સાથે પોલીસ પરીવારના સભ્યો અને ભરૂચની ગરબા રસીક જનતા મોટી સંખ્યામાં ગરબે ઘુમીને માતાજીની આરાધનાનું પર્વ મનાવી રહ્યા છે, જેને લઇને નવરાત્રીની નવલી રાતોએ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાસ ગરબા અને દાંડીયાની રમઝટ જોવા મળે છે.ગરબો ગવડાવતા કલાકારોના સુંદર સૂરથી ગરબા રસીકો અને ખેલૈયાઓ સ્ફૂર્તિ અને ઉર્જાથી ઓતપ્રોત થઇને ગરબે ઘુમતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છેકે આજે પ્રાચીનકાળથી આધ્યાત્મિક મનાતા નવરાત્રી પર્વની ઉજવણી પ્રસંગે ઘણા ગરબા આયોજકો દ્વારા ગરબા મહોત્સવનું દેખીતી રીતે પ્રવેશ પાસો વેચીને પ્રાચીન પરંપરાને આવકનો સ્ત્રોત બનાવી દેવાયો હોવાની લાગણી જોવા મળે છે,ત્યારે ભરૂચ પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવે લોકોમાં એક અનેરું આકર્ષણ ઉભુ કર્યું છે.

